કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ વિશેષ કાર્યથી એક દિવસ માટે ગુજરાત આવ્યા!

ગાંધીનગરઃ વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાતનો દૌર વધી રહ્યો છે. તેમાં પણ નવા મંત્રીમંડળની રચના બાદ અમિત શાહ ત્રીજી વખત ગુજરાત આવ્યા છે. અમિત શાહે આજે પોતાના વતન માણાસા ખાતે કુળદેવી બહુચર માતાજીના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી છે. રાત્રે 8 વાગ્યા સુધી અમિત શાહ માણસામાં રોકાશે.

બહુચરાજી માતાજીના જૂના મંદિર ખાતે પૂજા અને હવન વિધીમાં અમિત શાહે ભાગ લીધો હતો. 12.39 કલાકે નવા મંદિર ખાતે બહુચર માતાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારબાદ બપોરે બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. અમિત શાહ પણ ભોજન સમારંભમાં હાજર રહેશે. સાંજે 5 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વ પૂર્ણાહૂતિ કાર્યક્રમમાં અમિત શાહ પરિવાર સાથે હાજર રહેશે. ત્યારબાદ તેઓ માણસા ખાતે બ્રહ્મ ચોર્યાસીમાં પણ હાજરી આપશે.

બહુચરાજી માતાજીમાં અમિત શાહની અતૂટ શ્રદ્વા છે. અમિત શાહ અને તેમનો પરિવાર વર્ષોથી તેમની પૂજા કરતો આવ્યો છે. નવરાત્રિમાં પોતાની વ્યસ્તતા વચ્ચે પણ તેઓ કૂળદેવી માતાજીના દર્શને ચોક્કસ આવે છે. ખાસ કરીને તેઓ બીજના દિવસે દર્શન માટે આવતા હોય છે. બહુચરાજી માતાજીનું નવું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે જેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વ ચાલી રહ્યો છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા માટે અમિત શાહ માણસા આવ્યા છે.