પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળને 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સરકારી ચેનલ સંસદ ટીવીને એક ખાસ ઈન્ટરવ્યું આપ્યો જેમાં તેમણે પ્રધાનમંત્રી મોદીના કાર્યકાળ અને તેમના જીવન વિશે અનેક વાતો કહી છે.
અમિત શાહે જણાવ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીએ પહેલા તો વહીવટી તંત્રની કામગીરી યોગ્ય રીતે સમજી અને પછી નિષ્ણાંતોને સરકાર સાથે જોડ્યા હતા. હંમેશા નિષ્ણાંતોના વિચારોને જાણીને જ લોકો સુધી વિવિધ યોજનાઓ પહોંચાડી છે.
અમિત શાહે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં સૌથી ઉપેક્ષિત આદિવાસીઓ હતા. કોંગ્રેસ તેમનો ઉપયોગ માત્ર વોટ બેંક તરીકે જ કર્યો હતો. ત્યારે નરેન્દ્રમોદીએ અનેક યોજનાઓ દ્વારા આદિવાસીઓને તેમના અધિકારો આપ્યા હતા. નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીના સફળ શાસનથી લોકોને આશા જાગી હતી કે, મલ્ટી પાર્ટી ડેમોક્રેટિક સિસ્ટમ પણ સફળ થઈ શકે છે.
અમિત શાહે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોખમ લઈને નિર્ણયો કરે છે તે વાત એકદમ સાચી છે તેમણે પોતે પણ જણાવ્યું છે કે, આપણે દેશ બદલવા માટે સરકારમાં આવ્યા છે. સરકાર ચલાવવા માટે નહીં. આપણું લક્ષ્ય દેશમાં પરિવર્તન લાવવાનું છે. દેશને વિશ્વભરમાં સન્માન અપાવવાનું છે.
અમિત શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ પણ નિર્ણયો લેતા ડરતા નથી. કારણ કે સત્તામાં રહેવું તેમનું લક્ષ્ય નથી. રાષ્ટ્રપ્રેમ તેમનું એક માત્ર લક્ષ્ય છે. દેશની ઘણી સમસ્યાઓને પીએમ મોદીએ પરંપરાગત ઢબથી અલગ રીતે ઉકેલી છે. એજ તો રિફોર્મ છે.
અમિત શાહે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માત્ર એવા વ્યક્તિ છે કે જેમના પર તમામ પ્રકારના આરોપ લાગ્યા હતા પણ એક પણ આરોપ પૂરવાર થઈ શક્યો નથી. કારણ કે તેમનું જીવન પારદર્શક છે. દરેક વિરોધ સાથે પ્રધાનમંત્રી મજબૂત થાય છે.