જમ્મુ કાશ્મીરમાં ગૃહમંત્રી અમિત શાહે કોને પોતાનો ‘પર્સનલ નંબર’ આપી કહ્યું- તમને જ્યારે જરૂર પડે ત્યારે ફોન કરજો

ગૃહમંત્રી અમિત શાહ હાલમાં જમ્મુ અને કાશ્મીર પ્રવાસ પર છે. તેમણે અહી સ્થાનિકો સાથે ચા પીધી હતી અને વાતચીત કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે મકવાલમાં એક સ્થાનિક નાગરિકનો નંબર પોતાના ફોનમાં સેવ કર્યો. એટલું જ નહીં તેમને પોતાનો નંબર પણ આપ્યો અને કહ્યું કે તેમને જ્યારે પણ જરૂરી લાગે ત્યારે તેઓ ફોન કરી શકે છે. અમિત શાહે લોકો સાથે ચા પીધી અને લોકો  સાથે ઘણીવાર સુધી ખાટલે બેસી એકદમ સહજ અંદાજમાં વાતચીત કરી હતી.

શાહ આરએસપુરા સેક્ટરમાં ભારત-પાકિસ્તાન સરહદે પણ ગયા હતા. જમ્મુ નજીકના મકવાલમાં તેમણે બીએસએફ પોસ્ટ પર જઈને જવાનો સાથે વાતચીત કરી અને ત્યાંના સ્થાનિકો સાથે સમય પસાર કર્યો હતો.

આ અગાઉ જમ્મુના ભગવતી નગરમાં એક જનસભાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે સરકારનો હેતુ જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદનો સફાયો કરવાનો અને નાગરિકોની હત્યાઓ પર રોક લગાવવાનો છે. કોઈને પણ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં શાંતિ અને વિકાસમાં વિધ્ન પાડવા દેવામાં નહીં આવે. જમ્મુ કાશ્મીરમાં 12000 કરોડ રૂપિયાનું રોકાણ થઈ ચૂક્યું છે અને સરકારનો હેતુ 2022ના અંત સુધીમાં કુલ 51,000 કરોડ રૂપિયાનું રોકાણ લાવવાનો છે. 

જમ્મુ કાશ્મીરમાં નવા જુનીના એંધાણ: ગૃહમંત્રી અમિત શાહની મુલાકાતથી અટકળો તેજ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસના જમ્મુ-કશ્મીરના પ્રવાસે છે. કલમ 370 હટાવ્યા બાદ અમિત શાહનો આ પહેલો કશ્મીર પ્રવાસ હશે. આજે અમિત શાહ સૌથી પહેલા બપોરે 12.30 વાગે સુરક્ષાની સમીક્ષા કરશે. આ ઉપરાંત ગૃહમંત્રી આજે શ્રીનગરથી શારજહા વિમાન સેવાની શરૂઆત પણ કરશે.

કાશ્મીરમાં સુરક્ષા બંદોબસ્ત કડક કરાયો
જમ્મુ અને કશ્મીર તથા અહીંના લોકો માટે આજનો દિવસ ખાસ થવા જઈ રહ્યો છે. અમિત શાહ બપોરે લગભગ 12 વાગે શ્રીનગર પહોંચશે. આ સાથે જ તેમનો 3 દિવસનો મહત્વનો પ્રવાસ શરૂ થશે. અમિત શાહ સુરક્ષા એજન્સીઓના ઓફિસરો સાથે મહત્વની બેઠક કરશે. અમિત શાહના પ્રવાસને પગલે કશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ કડક કરવામાં આવી છે.

અનેક રીતે ખાસ છે આ પ્રવાસ
ગૃહમંત્રી અમિત શાહનો જમ્મુ-કશ્મીર પ્રવાસ અનેક રીતે ખાસ છે. પહેલું તો એ કે કાશ્મીર ખીણમાં સતત લોકોનું ટાર્ગેટ કિલિંગ થઈ રહ્યું છે. બીજું કલમ 370 હટ્યા બાદ ગૃહમંત્રીનો આ પ્રથમ પ્રવાસ છે. અમિત શાહના પ્રવાસને લઈને જમ્મુ અને કશ્મીરમાં ખૂબ તૈયારીઓ કરવામાં આવી છે.

શાહનો પ્રવાસ એવા સમયે થઇ રહ્યો છે જ્યારે ઘાટીમાં આતંકવાદીઓ પ્રવાસી મજૂરો અને લઘુમતી હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે. આતંકી હુમલા બાદ લોકોમાં ડર પણ વધી ગયો છે. ઘણા પ્રવાસી મજૂરો અને લઘુમતી હિન્દુઓ પણ ઘાટી છોડી રહ્યા છે. આવી સ્થિતિમાં શાહની મુલાકાત લઘુમતીઓમાં વિશ્વાસ જગાડી શકે છે. આવી સ્થિતિમાં, શાહની મુલાકાત દ્વારા, પાકિસ્તાનને સંદેશ આપવાનો પણ પ્રયાસ કરવામાં આવશે કે તે ગમે તેટલો આતંક ફેલાવે, ભારત તેના લોકોની હિંમતને ડગમગવા દેશે નહીં.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ વિશેષ કાર્યથી એક દિવસ માટે ગુજરાત આવ્યા!

ગાંધીનગરઃ વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાત મુલાકાતનો દૌર વધી રહ્યો છે. તેમાં પણ નવા મંત્રીમંડળની રચના બાદ અમિત શાહ ત્રીજી વખત ગુજરાત આવ્યા છે. અમિત શાહે આજે પોતાના વતન માણાસા ખાતે કુળદેવી બહુચર માતાજીના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી છે. રાત્રે 8 વાગ્યા સુધી અમિત શાહ માણસામાં રોકાશે.

બહુચરાજી માતાજીના જૂના મંદિર ખાતે પૂજા અને હવન વિધીમાં અમિત શાહે ભાગ લીધો હતો. 12.39 કલાકે નવા મંદિર ખાતે બહુચર માતાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારબાદ બપોરે બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. અમિત શાહ પણ ભોજન સમારંભમાં હાજર રહેશે. સાંજે 5 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વ પૂર્ણાહૂતિ કાર્યક્રમમાં અમિત શાહ પરિવાર સાથે હાજર રહેશે. ત્યારબાદ તેઓ માણસા ખાતે બ્રહ્મ ચોર્યાસીમાં પણ હાજરી આપશે.

બહુચરાજી માતાજીમાં અમિત શાહની અતૂટ શ્રદ્વા છે. અમિત શાહ અને તેમનો પરિવાર વર્ષોથી તેમની પૂજા કરતો આવ્યો છે. નવરાત્રિમાં પોતાની વ્યસ્તતા વચ્ચે પણ તેઓ કૂળદેવી માતાજીના દર્શને ચોક્કસ આવે છે. ખાસ કરીને તેઓ બીજના દિવસે દર્શન માટે આવતા હોય છે. બહુચરાજી માતાજીનું નવું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે જેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વ ચાલી રહ્યો છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા માટે અમિત શાહ માણસા આવ્યા છે.

ભાજપ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં ગુજરાત મોડલનો ઉપયોગ કરશે, ગુજરાતનું નવું મોડલ અપાવી રહ્યું છે ભરપૂર સફળતા

અમદાવાદઃ દેશભરમા 2014થી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના દમ પર ભાજપ એક બાદ એક રાજ્યમાં ચૂંટણી જીત્યું હતું. એક સમય એવો હતો કે, દેશના 18 જેટલા રાજ્યોમાં ભાજપ અથવા ભાજપ ગઠબંધનવાળી સરકાર સત્તામાં હતી. પરંતુ સમય વિતતો ગયો નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની અસરકારતા ઘટતી ગઇ. સ્થાનિક ભાજપના આગેવાનો પર જનતાનો વિશ્વાસ ન હોવાથી રાજ્યોમાંથી સત્તા ભાજપના હાથમાંથી સરકતી ગઇ. મોટા રાજ્યોમાં ભાજપને ચૂંટણીમાં હાર થઇ. આગામી વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ભાજપની જીતને લઇ ખાસ દાવાઓ નથી થઇ રહ્યાં. જેથી ભાજપ હવે નવા પ્રયોગ તરફ આગળ વધી રહી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપે નવો પ્રયોગ કર્યો અને તેમાં સફળતા મળી છે. એટલે આ મોડલ હવે દેશભરમાં લાગુ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

આગામી વર્ષે યોજાનાર 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ નવા ચહેરાઓને મેદાને ઉતારવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ નીતિથી સત્તા વિરોધી લહેરને તોડવામાં ભાજપને મદદ મળશે. સાથે સાથે નવા ચહેરાઓને ઉતારવાથી કાર્યકર્તાઓનો ઉત્સાહ પણ વધશે અને યુવાઓને નેતૃત્વ માટે આગળ પણ કરી શકાશે. મહત્વનું છે કે, આ કવાયતમાં સામાજિક સમીકરણોનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. નવા મોડલમાં યુવાઓ અને મહિલાઓને વધુ તક આપવામાં આવી રહી છે. જે ભાજપ માટે ફાયદારૂપ નિવડી રહ્યું છે.

ભાજપે કાર્યકર્તાઓ અને નેતાઓની વચ્ચે એ સંદેશ પહોંચાડી દીધો છે કે, નામ કે કદના આધારે નહી પરંતુ ગ્રાઉન્ડ પરની સ્થિતિ જોઇ ટિકિટ અંગે નિર્ણય લેવામાં આવશે. વધુ વખત ચૂંટણી લડી ચૂકેલા નેતાઓને હટાવવામાં પણ આવશે. ગમે તેટલું મોટુ નામ હોય પરંતુ તેમની ટિકિટ કાપી નાખવામાં આવશે. આ પ્રયોગ ભાજપ અગાઉ પણ કરી ચૂક્યું છે. નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ 75 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને સત્તા અને સંગઠનમાં હોદ્દાઓ પરથી હટાવવામાં આવ્યા. યુવાઓને તક આપવાના નામે સિનિયર નેતાઓને ખસેડી દેવામાં આવ્યા અને તેનાથી ભાજપને ફાયદો પણ થયો છે. હવે ચૂંટણીઓમાં પણ ભાજપ આ જ થિયરી અપનાવી રહી છે કે, બે કે તેથી વધુ વખત ચૂંટણી લડેલા હોય તેવા નેતાઓને ટિકિટ નહી આપવામાં આવે છે. જેથી યુવા અને વર્ષોથી પક્ષ માટે કામ કરતા કાર્યકર્તાઓને તક આપી તેમનો ઉત્સાહ વધારવાના પ્રયાસ થઇ રહ્યાં છે.

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ભાજપે આ માટે કામગીરી શરૂ કરી દીધી છે. માર્ચમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટેના માપદંડો નક્કી કરી દેવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, દરેક રાજ્યમાં 50 ટકા કરતા વધુ નવા ચહેરાઓને મેદાન ઉતારાશે. વર્તમાન ધારાસભ્યોની ટિકિટો કાપીની અન્ય જવાબદારીઓ સોંપવામાં આવશે. ટિકિટ કપાવવાની સ્થિતિમાં નારાજગી અને વિખવાદ ઉભો ન થાય તે માટે પણ ભાજપે તૈયારીઓ કરી લીધી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 3 વખત કરતા વધુ ચૂંટણી લડેલા નેતાઓની ટિકિટ કાપવામાં આવી હતી. વિધાનસભામાં પણ આ ફોર્મ્યુલા પર કામ કરવામાં આવી શકે છે. ગુજરાતમાં મુખ્યમંત્રી સાથે સમગ્ર મંત્રીમંડળ બદલી દેવામાં આવ્યું. સિનિયર મંત્રીઓને પણ હટાવી દેવામાં આવ્યા તેમ છતાં કોઇ પણ પ્રકારે નારાજગી સામે આવી નથી.

ભાજપે દરેક રાજ્યમાં ચૂંટણી પ્રભારી અને સહપ્રભારીની નિમણૂંક કરી દીધી છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં તેમના વિચાર પણ મહત્વના રહેશે. સૂત્રો અનુસાર પ્રભારીઓની ટીમ દરેક વિધાનસભા બેઠકના રાજનૈતિક, સામાજિક સમીકરણોનો અભ્યાસ કરીને વર્તમાન ધારાસભ્યો અંગેની પણ માહિતી એકત્ર કરી રહ્યાં છે. આ ઉપરાંત નવા અને દમ ધરાવતા ચહેરાઓ પર પણ નજર રાખી રહ્યાં છે. પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ દરેક રાજ્યનો પ્રવાસ કરી સ્થિતિ જાણી રહ્યાં છે. એક મહિનાની અંદર તેઓ ચૂંટણીવાળા તમામ રાજ્યોનો પ્રવાસ કરશે.