અમદાવાદ: રાજ્યના કમોસમી વરસાદ બાદ હવે ઠંડીનો ચમકારો જોવા મળશે. શિયાળાની સીઝનમાં અત્યાર સુધી બે વખત કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી હતી. પરંતુ હવામાન વિભાગના અનુમાન પ્રમાણે હવે શિયાળા દરમિયાન કમોસમી વરસાદની કોઈ સંભાવના નથી. રાજ્યમાં બે વખત વરસાદને કારણે હજી ઠંડી બરાબર જામી નથી. પરંતુ 2022 ની શરૂઆત ઠંડીથી થશે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, નવા વર્ષની શરૂઆત હાડ થીજવતી ઠંડી સાથે કરવી પડશે. રાજ્યમાં હવે ઠંડીનું જોર વધશે. શિયાળુ પાકને અનુકૂળ ઠંડીની હવે શરૂઆત થશે. જે ખેડૂતો માટે ફાયદાકારક રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં 40થી 50 કિમી ઝડપે પવન સાથે ઠંડીનો અનુભવ થશે. મોદી રાત્રે ઠંડી લઘુતમ તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે.
સામાન્ય રીતે ડિસેમ્બરના મધ્ય સમયથી ગુજરાતમાં કાતિલ ઠંડીની શરૂઆત થતી હોય છે પરંતુ હવામાનમાં ફેરફારને કારણે રાજ્યમાં બે વખત કમોસમી વરસાદના કારણે તાપમાન સામાન્ય રહ્યું હતું. પરંતુ હવે હવામાન સામાન્ય બનતા શિયાળો ફૂલ મોસમમાં ખીલશે. સિઝનનું સૌથી નીચું તાપમાન 5 થી 10 જાન્યુઆરી દરમિયાન નોંધાય તેવી શક્યતા છે. ઠંડીની સાથે ભેજનું પ્રમાણ પણ જોવા મળશે.