ગૃહમંત્રી અમિત શાહ હાલમાં જમ્મુ અને કાશ્મીર પ્રવાસ પર છે. તેમણે અહી સ્થાનિકો સાથે ચા પીધી હતી અને વાતચીત કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે મકવાલમાં એક સ્થાનિક નાગરિકનો નંબર પોતાના ફોનમાં સેવ કર્યો. એટલું જ નહીં તેમને પોતાનો નંબર પણ આપ્યો અને કહ્યું કે તેમને જ્યારે પણ જરૂરી લાગે ત્યારે તેઓ ફોન કરી શકે છે. અમિત શાહે લોકો સાથે ચા પીધી અને લોકો સાથે ઘણીવાર સુધી ખાટલે બેસી એકદમ સહજ અંદાજમાં વાતચીત કરી હતી.
શાહ આરએસપુરા સેક્ટરમાં ભારત-પાકિસ્તાન સરહદે પણ ગયા હતા. જમ્મુ નજીકના મકવાલમાં તેમણે બીએસએફ પોસ્ટ પર જઈને જવાનો સાથે વાતચીત કરી અને ત્યાંના સ્થાનિકો સાથે સમય પસાર કર્યો હતો.
આ અગાઉ જમ્મુના ભગવતી નગરમાં એક જનસભાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે સરકારનો હેતુ જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદનો સફાયો કરવાનો અને નાગરિકોની હત્યાઓ પર રોક લગાવવાનો છે. કોઈને પણ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં શાંતિ અને વિકાસમાં વિધ્ન પાડવા દેવામાં નહીં આવે. જમ્મુ કાશ્મીરમાં 12000 કરોડ રૂપિયાનું રોકાણ થઈ ચૂક્યું છે અને સરકારનો હેતુ 2022ના અંત સુધીમાં કુલ 51,000 કરોડ રૂપિયાનું રોકાણ લાવવાનો છે.