નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસના જમ્મુ-કશ્મીરના પ્રવાસે છે. કલમ 370 હટાવ્યા બાદ અમિત શાહનો આ પહેલો કશ્મીર પ્રવાસ હશે. આજે અમિત શાહ સૌથી પહેલા બપોરે 12.30 વાગે સુરક્ષાની સમીક્ષા કરશે. આ ઉપરાંત ગૃહમંત્રી આજે શ્રીનગરથી શારજહા વિમાન સેવાની શરૂઆત પણ કરશે.
કાશ્મીરમાં સુરક્ષા બંદોબસ્ત કડક કરાયો
જમ્મુ અને કશ્મીર તથા અહીંના લોકો માટે આજનો દિવસ ખાસ થવા જઈ રહ્યો છે. અમિત શાહ બપોરે લગભગ 12 વાગે શ્રીનગર પહોંચશે. આ સાથે જ તેમનો 3 દિવસનો મહત્વનો પ્રવાસ શરૂ થશે. અમિત શાહ સુરક્ષા એજન્સીઓના ઓફિસરો સાથે મહત્વની બેઠક કરશે. અમિત શાહના પ્રવાસને પગલે કશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ કડક કરવામાં આવી છે.
અનેક રીતે ખાસ છે આ પ્રવાસ
ગૃહમંત્રી અમિત શાહનો જમ્મુ-કશ્મીર પ્રવાસ અનેક રીતે ખાસ છે. પહેલું તો એ કે કાશ્મીર ખીણમાં સતત લોકોનું ટાર્ગેટ કિલિંગ થઈ રહ્યું છે. બીજું કલમ 370 હટ્યા બાદ ગૃહમંત્રીનો આ પ્રથમ પ્રવાસ છે. અમિત શાહના પ્રવાસને લઈને જમ્મુ અને કશ્મીરમાં ખૂબ તૈયારીઓ કરવામાં આવી છે.
શાહનો પ્રવાસ એવા સમયે થઇ રહ્યો છે જ્યારે ઘાટીમાં આતંકવાદીઓ પ્રવાસી મજૂરો અને લઘુમતી હિન્દુઓને નિશાન બનાવી રહ્યા છે. આતંકી હુમલા બાદ લોકોમાં ડર પણ વધી ગયો છે. ઘણા પ્રવાસી મજૂરો અને લઘુમતી હિન્દુઓ પણ ઘાટી છોડી રહ્યા છે. આવી સ્થિતિમાં શાહની મુલાકાત લઘુમતીઓમાં વિશ્વાસ જગાડી શકે છે. આવી સ્થિતિમાં, શાહની મુલાકાત દ્વારા, પાકિસ્તાનને સંદેશ આપવાનો પણ પ્રયાસ કરવામાં આવશે કે તે ગમે તેટલો આતંક ફેલાવે, ભારત તેના લોકોની હિંમતને ડગમગવા દેશે નહીં.