IND VS PAK: ભારત માટે પડકાર બની શકે છે પાકિસ્તાનના આ પાંચ ખેલાડીઓ!

IND VS PAK: ભારત માટે પડકાર બની શકે છે પાકિસ્તાનના આ પાંચ ખેલાડીઓ!

નવી દિલ્હીઃ ટી-20 વિશ્વકપમાં 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન ક્રિકેટના મેદાનમાં આમને સામને હશે. લગભગ બે વર્ષ બાદ બંને ટીમો એકબીજા સામે ટકરાઇ રહી છે. ભારત-પાકિસ્તાનની મેચ પર સમગ્ર વિશ્વની નજર છે. લોકો ખૂબ આતુરતાપૂર્વક આ મેચની રાહ જોઇ રહ્યાં છે. વર્લ્ડકપની વોર્મ અપ મેચમાં બંને ટીમોએ શાનદાર શરૂઆત કરી છે. ભારતે વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને હરાવ્યું હતું તો બીજી તરફ પાકિસ્તાને ડિફેન્ડિંગ ટી-20 ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝની ટીમને પરાજય આપ્યો છે.

વોર્મ અપ મેચમાં બંને ટીમો શાનદાર લયમાં પણ જોવા મળી. બેટિંગ, ફિલ્ડિંગ અને બોલિંગમાં ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. અત્યાર સુધીના વર્લ્ડકપના ઇતિહાસમાં પાકિસ્તાન ભારતને હરાવી શક્યું નથી. પરંતુ તેમ છતાં આ વખતે કેટલાક યુવા ખેલાડીઓથી ભારતીય ટીમ સાવધાન રહેવું પડશે. પાકિસ્તાન પાસે મોટા નામ નથી પણ દમદાર પ્રદર્શનને કારણે વિશ્વ ક્રિકેટ પંડિતોનું ધ્યાન પોતાની તરફ ખેંચનાર ખેલાડીઓ છે.

1 શાદાબ ખાન
શાદાબ ખાન રાઇટ આર્મ લેગ સ્પીન બોલર છે. અત્યાર સુધી તે 53 ટી-20 મેચમાં 58 વિકેટ ઝડપી છે. તેની ઇકોનોમી 7.40 છે. જ્યારે એવરેજ 23ની છે. UAEની સ્પીનિંગ પીચ પર આ બોલર ભારતીય બેટ્સમેનો માટે ઘાતક સાબિત થઇ શકે છે. અગાઉ પણ 2019માં શાદાબ ખાને ભારતીય બેટ્સમેનોને હંફાવ્યા હતા. શાદાબ ખાન માટે ભારતીય ટીમે ખાસ રણનીતિ તૈયાર કરવી પડશે.

2 હસન અલી
27 વર્ષિય ફાસ્ટ બોલર હસન અલી ભારતીય ટીમ માટે મોટો ખતરો છે. પાકિસ્તાન ટીમની બોલિંગનો આધાર ગણવામાં આવે છે. હસન અલી તેની ફાસ્ટ અને વેરિએશન બોલિંગને કારણે બેટસમેનો માટે કાળ બની જાય છે. હસન અલી 2016થી પાકિસ્તાન ક્રિકેટ માટે રમે છે. 41 ટી-20 મેચમાં 52 વિકેટ ઝડપી છે. તેની ઇકોનોમી 8.29 છે. જ્યારે એવરેજ 21.7ની રહી છે.

3 ફખર જમામ
છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન તરફથી બેટિંગમાં નિરંતતતાથી ત્રણેય ફોર્મેટમાં જો કોઇ ખેલાડી સારૂ પ્રદર્શન કરવામાં સફળ રહ્યો હોય તો ફખર જમામ છે. પાકિસ્તાન ટીમના આ ઓપનરનો ભારત સામેનો રેકોર્ડ પણ સારો છે. તેમજ દુબઇમાં સ્લો પીચ પર રમવાનો લાંબો અનુભવ ધરાવે છે. ભારતીય બોલર્સે ફખર જમામ માટે એક અલગ રણનીતિ તૈયાર કરવી પડશે. ફખર જમામને વહેલો આઉટ કરી ડ્રેસિંગ રૂમમાં મોકલવામાં જ ભારતીય ટીમને ફાયદો થશે. ફખરે અત્યાર સુધી 53 ટી-20 મેચમાં 1021 રન બનાવ્યા છે. જેમાં 91 નો હાઇએસ્ટ સ્કોર બનાવ્યો હતો.

4 શોએબ મલિક
પાકિસ્તાનમાં ટી-20 વર્લ્ડકપની ટીમમાં શોએબ મલિકના સમાવેશને લઇ અનેક ચર્ચાઓ ચાલી રહી છે. 20 વર્ષમાં પાકિસ્તાન બદલાઇ ગયું, વિશ્વની મહાસત્તાઓ બદલાઇ ગઇ, એક ક્રિકેટર પાકિસ્તાનના પ્રધાનમંત્રી બની ગયા પણ જો કંઇ ન બદલાયું હોય તે પાકિસ્તાનની ટીમમાં શોએબ મલિક છે. શોએબ મલિક 20 વર્ષથી ક્રિકેટ રમી રહ્યો છે. ભારત સામે શોએબ મલિકનો રેકોર્ડ ટીમના અન્ય ખેલાડીઓ કરતા ઘણો સારો છે. પાકિસ્તાન ટીમના મિડલ ઓર્ડરને મજબૂતી આપે છે શોએબ, તે ઉપરાંત તે બોલિંગમાં પણ ટીમનો ઘણો ઉપયોગી નિવડી શકે છે. દુબઇની સ્લોપીચ પર તે બોલિંગ અને બેટિંગથી સારૂ પ્રદર્શન કરી શકે છે.

5 બાબર આઝમ
પાકિસ્તાન ટીમનો કપ્તાન અને ટી-20માં ટોપ-5 બેટ્સમેનમાં સ્થાન ધરાવતો પાકિસ્તાનનો એકમાત્ર બેટ્સમેન છે. એક સમયે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે તેની તુલના થવા લાગી હતી. બાબર આઝમ પાકિસ્તાનની ટીમે પોતાના દમ પર વિશ્વ ક્રિકેટમાં કાયમ રાખી છે. બાબર આઝમ પાકિસ્તાન ટીમનો ભરોશો ગણાય છે. દરેક ફોર્મેટમાં તે નિરંતતા સાથે બેટિંગ કરી રહ્યો છે. ભારતીય ટીમે બાબર આઝમ માટે અલગથી વ્યૂરચના બનાવવી પડશે. બુમરાહ અને બાબરનો ટકરાવ જોવા લાયક રહેશે. બંનેમાંથી કોણ ભારે પડે છે તે જોવાનું રહેશે.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *