અમદાવાદઃ દેશભરમા 2014થી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના દમ પર ભાજપ એક બાદ એક રાજ્યમાં ચૂંટણી જીત્યું હતું. એક સમય એવો હતો કે, દેશના 18 જેટલા રાજ્યોમાં ભાજપ અથવા ભાજપ ગઠબંધનવાળી સરકાર સત્તામાં હતી. પરંતુ સમય વિતતો ગયો નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની અસરકારતા ઘટતી ગઇ. સ્થાનિક ભાજપના આગેવાનો પર જનતાનો વિશ્વાસ ન હોવાથી રાજ્યોમાંથી સત્તા ભાજપના હાથમાંથી સરકતી ગઇ. મોટા રાજ્યોમાં ભાજપને ચૂંટણીમાં હાર થઇ. આગામી વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ભાજપની જીતને લઇ ખાસ દાવાઓ નથી થઇ રહ્યાં. જેથી ભાજપ હવે નવા પ્રયોગ તરફ આગળ વધી રહી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપે નવો પ્રયોગ કર્યો અને તેમાં સફળતા મળી છે. એટલે આ મોડલ હવે દેશભરમાં લાગુ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
આગામી વર્ષે યોજાનાર 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ નવા ચહેરાઓને મેદાને ઉતારવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ નીતિથી સત્તા વિરોધી લહેરને તોડવામાં ભાજપને મદદ મળશે. સાથે સાથે નવા ચહેરાઓને ઉતારવાથી કાર્યકર્તાઓનો ઉત્સાહ પણ વધશે અને યુવાઓને નેતૃત્વ માટે આગળ પણ કરી શકાશે. મહત્વનું છે કે, આ કવાયતમાં સામાજિક સમીકરણોનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. નવા મોડલમાં યુવાઓ અને મહિલાઓને વધુ તક આપવામાં આવી રહી છે. જે ભાજપ માટે ફાયદારૂપ નિવડી રહ્યું છે.
ભાજપે કાર્યકર્તાઓ અને નેતાઓની વચ્ચે એ સંદેશ પહોંચાડી દીધો છે કે, નામ કે કદના આધારે નહી પરંતુ ગ્રાઉન્ડ પરની સ્થિતિ જોઇ ટિકિટ અંગે નિર્ણય લેવામાં આવશે. વધુ વખત ચૂંટણી લડી ચૂકેલા નેતાઓને હટાવવામાં પણ આવશે. ગમે તેટલું મોટુ નામ હોય પરંતુ તેમની ટિકિટ કાપી નાખવામાં આવશે. આ પ્રયોગ ભાજપ અગાઉ પણ કરી ચૂક્યું છે. નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ 75 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને સત્તા અને સંગઠનમાં હોદ્દાઓ પરથી હટાવવામાં આવ્યા. યુવાઓને તક આપવાના નામે સિનિયર નેતાઓને ખસેડી દેવામાં આવ્યા અને તેનાથી ભાજપને ફાયદો પણ થયો છે. હવે ચૂંટણીઓમાં પણ ભાજપ આ જ થિયરી અપનાવી રહી છે કે, બે કે તેથી વધુ વખત ચૂંટણી લડેલા હોય તેવા નેતાઓને ટિકિટ નહી આપવામાં આવે છે. જેથી યુવા અને વર્ષોથી પક્ષ માટે કામ કરતા કાર્યકર્તાઓને તક આપી તેમનો ઉત્સાહ વધારવાના પ્રયાસ થઇ રહ્યાં છે.
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ભાજપે આ માટે કામગીરી શરૂ કરી દીધી છે. માર્ચમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટેના માપદંડો નક્કી કરી દેવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, દરેક રાજ્યમાં 50 ટકા કરતા વધુ નવા ચહેરાઓને મેદાન ઉતારાશે. વર્તમાન ધારાસભ્યોની ટિકિટો કાપીની અન્ય જવાબદારીઓ સોંપવામાં આવશે. ટિકિટ કપાવવાની સ્થિતિમાં નારાજગી અને વિખવાદ ઉભો ન થાય તે માટે પણ ભાજપે તૈયારીઓ કરી લીધી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 3 વખત કરતા વધુ ચૂંટણી લડેલા નેતાઓની ટિકિટ કાપવામાં આવી હતી. વિધાનસભામાં પણ આ ફોર્મ્યુલા પર કામ કરવામાં આવી શકે છે. ગુજરાતમાં મુખ્યમંત્રી સાથે સમગ્ર મંત્રીમંડળ બદલી દેવામાં આવ્યું. સિનિયર મંત્રીઓને પણ હટાવી દેવામાં આવ્યા તેમ છતાં કોઇ પણ પ્રકારે નારાજગી સામે આવી નથી.
ભાજપે દરેક રાજ્યમાં ચૂંટણી પ્રભારી અને સહપ્રભારીની નિમણૂંક કરી દીધી છે. ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં તેમના વિચાર પણ મહત્વના રહેશે. સૂત્રો અનુસાર પ્રભારીઓની ટીમ દરેક વિધાનસભા બેઠકના રાજનૈતિક, સામાજિક સમીકરણોનો અભ્યાસ કરીને વર્તમાન ધારાસભ્યો અંગેની પણ માહિતી એકત્ર કરી રહ્યાં છે. આ ઉપરાંત નવા અને દમ ધરાવતા ચહેરાઓ પર પણ નજર રાખી રહ્યાં છે. પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ દરેક રાજ્યનો પ્રવાસ કરી સ્થિતિ જાણી રહ્યાં છે. એક મહિનાની અંદર તેઓ ચૂંટણીવાળા તમામ રાજ્યોનો પ્રવાસ કરશે.