પાકિસ્તાન ડ્રગ્સ માફિયાનો પર્દાફાશઃ કરાંચીના ડ્રગ્સના કિંગ હાજી હસનના પુત્રની ગુજરાતમાં ધરપકડ

કચ્છઃ 19 ડિસેમ્બરે કચ્છના દરિયાકાંઠેથી 400 કરોડની કિંમતનો 77 કિલોગ્રામ હેરોઇનનો જથ્થો ઝજડપાયો હતો. આ ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાની નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી એક કરાંચીના સૌથી મોટા ડ્રગ્સ ડિલર હાજી હસનનો પુત્ર સાજીદ હોવાનું સુત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.

6 પાકિસ્તાનીઓની ધરપકડઃ પાકિસ્તાનની માછીમારી બોટ અલ હુસૈની ગત 19 ડિસેમ્બરે 6 ક્રુ મેમ્બર સાથે 77 કિલો ડ્રગ્સના જથ્થા સાથે ગુજરાત દરિયા કાંઠેથી ઝડપાયા હતા. ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. જખૌ બંદરથી 35 નોટિકલ માઇલ્સ દૂરથી પાકિસ્તાનની બોટને ઝડપી પાડવામાં આવી હતી.

ગુજરાત ATSને બાતમી મળી હતીઃ ગુજરાત ATSએ જણાવ્યું હતું કે, પાકિસ્તાના કરાંચી બંદરેથી બોટ રવાના થઇ હતી. બોટમાં સવાર લોકોએ હાઇ ફ્રિક્વન્સી રેડિયો સિસ્ટમ દ્વારા ડિલવરી જગ્યાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રગ્સની ડિલીવરી માટે હરી-1 અને હરી-2 એવા કોડ વર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ગુજરાત ATSને ડ્રગ્સ ડિલીવરી અંગે માહિતી મળતા જ કોસ્ટગાર્ડ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ATSને માહિતી મળી હતી કે, કરાંચી બંદરેથી એક બોટ રવાના થઇ છે જે ભારત અને પાકિસ્તાન વચ્ચેની દરિયાઇ સરહદ પાર કરીને જખૌ દરિયા કિનારથી 35 નોટિકલ માઇલ્સ દૂર પહોંચશે.

ડ્રગ્સ પંજાબમાં પહોંચાડવાનું હતુઃ ગુજરાત ATSએ જણાવ્યું હતું કે, ધરપકડ કરવામાં આવેલા પાકિસ્તાની નાગરિકોની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ડ્રગ્સ પાકિસ્તાનના બે સ્મગલર હાજી હસન અને હાજી હસમ દ્વારા મોકલવામાં આવ્યું હતું જે ગુજરાતના દરિયાકિનારે ઉતારી ત્યાંથી અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા પંજાબના ડ્રગ્સ ડિલર સુધી પહોંચાડવાનુ હતું. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે આ ડ્રગ્સ ડિલર હાલમાં રાજસ્થાનની જેલમાં બંધ છે.

વિધાનસભાની ચૂંટણીઓને લઇ ડ્રગ્સ મંગાવ્યું હતુઃ પંજાબમાં વિધાનસભાની ચૂંટણીનું આગામી વર્ષે આયોજન થવાનું છે. જેને લઇ મોટા પ્રમાણમાં ડ્રગ્સ પંજાબ પહોંચાડવા માટેનો ઓર્ડર મળ્યો હતો. ચૂંટણી અગાઉ ડ્રગ્સ સમગ્ર પંજાબમાં સપ્લાય કરવાનું ષડયંત્ર ઘડવામાં આવી રહ્યું હતુ. પંજાબમાં આ ડ્રગ્સ કોને કોને સપ્લાય થવાનું હતું તેને લઇ પંજાબ પોલીસે તપાસ હાથ ધરી છે.

હાજી હસન કોણ છે?: હાજી હસન વિશ્વના સૌથી મોટા ડ્રગ્સ ડિલરમાં નામ ધરાવે છે. અગાઉ અમેરિકામાં પણ ડ્રગ્સ ઘુસાડવાના કેસમાં હાજી હસનની ધરપકડ થઇ હતી. આ ઉપરાંત તાંઝાનિયામાં 2014માં 200 કિલો હેરોઇનની હેરાફેરીના કેસમાં પણ હાજી હસનની ધરપકડ થઇ હતી. આ ઉપરાંત રિપોર્ટ પ્રમાણે હાજી હસનનું નેટવર્ક આફ્રિકન દેશોમાં મોટા પ્રમાણમાં પથરાયેલું છે. હાજી હસને આફ્રિકા, એશિયા અને ઉત્તર અમેરિકામાં હજારો ટન હેરોઇન અને કોકેનની હાજી હસને હેરાફેરી કરી છે. પૂર્વ આફ્રિકાથી હાજી હસન ડ્રગ્સ ઓર્ગેનાઇઝેશન ઓપરેટ કરી રહ્યો છે.

પાકિસ્તાનમાં મહિલાઓને રસ્તા વચ્ચે લાવી કપડા ઉતારી મારવામાં આવ્યો માર, વીડિયો વાયરલ

પાકિસ્તાનના ફૈસલાબાદમાં કેટલાક યુવકોએ મહિલાઓ સાથે મારપીટ કરી અને તેમના કપડાં ફાડી નાખ્યાની ઘટના બની છે. એક રિપોર્ટ અનુસાર રસ્તાની વચ્ચે મહિલાઓ સાથે હેવાનીયત આચરવામાં આવી હતી.  આ ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયો સાથે દાવો કરાયો છે કે મહિલાઓ ચોરી કરતી પકડાઈ હતી. જેના બદલામાં તેમની કપડાં ઉતારી દેવાયા અને ડંડાથી પીટાઈ કરવામાં આવી. આ ઘટનાને લઈને લોકોમાં સરકાર પ્રત્યે ખુબ ગુસ્સો છે. જો કે પંજાબ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હોવાની વાત કરી છે. પોલીસનું કહેવું છે કે ઘટનામાં સામેલ આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. આ બાજુ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનું કહેવું છે કે તેમની સરકાર ધર્મના નામ પર ભીડની હિંસાને સહન નહીં કરે અને આ માટે જવાબદાર લોકોને છોડશે નહીં.

બેંકમાં પૈસા ભરવા ગયેલા ગુજરાતીની અમેરિકામાં ગોળી મારી હત્યા કરી, પુત્રીના જન્મ દિવસે જ પિતાનું મોત

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાની ઘટના સામે આવી છે. કોલંબસ સિટી ખાતે નડિયાદના રહેવાસી અમિત પટેલની અજાણ્યા શખ્સો દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે અમિત પટેલ કોલંબસ બેન્કમાં રૂપિયા ડિપોઝીટ કરવા માટે ગયા તે દરમિયાન આ ઘટના બની હતી. લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

મૂળ નડિયાદના 45 વર્ષીય અમિત પટેલ તેમના પરિવાર સાથે વર્ષોથી અમેરિકાના કોલંબસ ખાતે રહે છે. અમેરિકામાં તેઓ ગેસ સ્ટેશનના માલિક હતા. 3 વર્ષની દીકરીનો જન્મદિવસ હતો એ જ દિવસે તેમનું મોત થયું છે. કોલંબસ પોલીસ ડિપાર્ટમેન્ટના પૂર્વ વિસ્તારની સમાન બિલ્ડિંગમાં આવેલી બેંકમાં તેમને ગોળી મારી દેવામાં આવી હતી.

તેમના બિઝનેસ પાર્ટનર વિની પટેલ કહે છે કે અમિતે સાપ્તાહિક ડિપોઝિટ જમા કરાવી હતી અને આજે તેની 3 વર્ષની પુત્રીનો જન્મદિવસ ઉજવવાનું આયોજન કર્યું હતું, દીકરી જન્મદિવસ પર તેના પિતા સાથે જે બન્યું તે તે ક્યારેય ભૂલી શકશે નહીં.

ગુજરાતની હાઈટેક પોલીસ પણ દોઢ મહિનાથી નથી ઉકેલી શકી આ કેસ, જ્યારે લાગે કોઈ કડી મળી ત્યાં કેસ નવો વળાંક લે છે!

વડોદરા: સુરતમાં અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી અને હત્યા કરનાર આરોપીને 31 દિવસના ફાંસીની સજા ફટકારી દેવામાં આવી. ન્યાયતંત્ર અને પોલીસ વિભાગની કામગીરીની સમગ્ર દેશમાં પ્રશંસા થઈ રહી છે. પરંતુ આજ ગુજરાતમાં એક બીજી દિકરી મૃત્યના એક મહિના અને આઠ દિવસ થયા હોવા છતાં પરિવારને ન્યાય નથી મળી શક્યો. પોલીસની કામગીરી પર શંકા ઉપજાવે તેવા વળાંક સામે આવી રહ્યા છે. પોલીસને લાગે જ્યારે લાગે કે હવે કેસ ઉકેલાઈ જશે ત્યાં જ કેસમાં નવી હકીકત સામે આવે જે ત્યાં સુધીની તપાસથી વિપરીત હોય. પોલીસે દરેક દિશામાં તપાસ કરી, ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો પરંતુ હજી સુધી કોઈ સુરાગ નથી મેળવી શકી.

દિવાળીના દિવસે મળ્યો હતો મૃતદેહ: વલસાડ રેલ્વે સ્ટેશન પર એક ટ્રેનમાંથી 4 નવેમ્બરે એક યુવતીનો મૃતદેહ મળ્યો. પ્રાથમિક અનુમાન હતું કે યુવતીએ આત્મહત્યા કરી છે. પરંતુ સવાલ થાય કે આત્મહત્યા કરવી હોય તો ટ્રેનમાં શું કામ? યુવતીને શું સમસ્યા હતી તેની તપાસ કરવા પોલીસ પહોંચી તો જાણવા મળ્યું કે યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયું હતું. ત્યારબાદ તેની કોઈ મદદ ના કરતા તેણે કંટાળી આત્મહત્યા કરી હોય શકે તેવા અનુમાન પર પોલીસ તપાસ આગળ ધપાવી રહી હતી ત્યાં જ યુવતી જે સંસ્થામાં કામ કરતી હતી તેમાં યુવતીને લઈ માહિતી છુપાવવામાં આવી રહ્યા હોવાનું માલુમ થયું. પોલીસે વધુ તપાસ કરતા યુવતીના ડાયરીમાં કેટલાક પન્ના ફાડી નાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું. એટલે શંકા કે સંસ્થા પોલીસથી કઈક છુપાવી રહી છે. પણ સંસ્થા તપાસમાં સહકાર પણ આપી રહી ના હોવાથી વધુ કઈ માહિતી પોલીસ મેળવી શકી નહી.

હત્યા કે આત્મહત્યા મોટો પ્રશ્ન: યુવતીએ પોતાની ડાયરીમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે પોલીસે યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયું તે જગ્યા પર તપાસ કરી. પરંતુ ત્યાં પણ કોઈ શંકાસ્પદ ઘટના અંગે કોઈ માહિતી મળી નહી. આસપાસમાં પોલીસ ટીમ બનાવી શોધતી રહી પણ કોઈ સુરાગ કે પુરાવા મળ્યા નહી. વડોદરાનું વેક્સિન ગ્રાઉન્ડ પોલીસ ફેંદી વળી પણ કઈ મળ્યું નહી. ત્યારે પોલીસના હાથમાં યુવતીના મોબાઈલની ચેટ આવે છે અને તેમાં તેને સંસ્થાના ટ્રસ્ટીને મદદ માટે મોકલેલા મેસેજ મળ્યો. આ મેસેજ માં યુવતી પોતાને કેટલાક માણસોથી બચાવવા સંજીવ શાહને અપીલ કરે છે. પણ સંજીવ મેસેજ જુએ ત્યાં સુધી યુવતીનું મોત થઈ ગયું હોય છે. એટલે અત્યાર સુધી જે કેસ આત્મહત્યાનો માલુમ પડી રહ્યો હતો તેમાં હત્યાનો વળાંક આવ્યો. પોલીસની તપાસ નિષ્ફળ ગઈ.

પોલીસ ઘર ઘર ખુંદી વળી: વડોદરામાં પોલીસ એક એક ઘર ખૂંદી વળી, ગ્રાઉન્ડ આસપાસથી નીકળનારા રિક્ષાવાળાઓની પૂછપરછ કરી નાખી પણ કઈ જોતા કઈ જ ના મળ્યું. પોલીસે યુવતીએ જે દિવસે તેની સાથે ગ્રાઉન્ડ પર દુષ્કર્મ થયું તે દિવસે ગ્રાઉન્ડ પર સક્રિય મોબાઈલ નંબર મેળવી 50 થી વધુ લોકોની તપાસ કરી પણ દુષ્કર્મ બાબતે કોઈ જાણકારી મળી નહી. આવા સમયમાં યુવતીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો જેમાં યુવતીની હત્યા નહી પરંતુ તેને આત્મહત્યા કરી છે તેવું સાબિત થયું. ફરી પોલીસે પોતાની તપાસની દિશા બદલવાની ફરજ પડી.

FSLની રાહ જોઈ રહી હતી પોલીસ: હવે પોલીસ FSLના રીપોર્ટની રાહ જોઈ રહી હતી. સાથે સાથે કેસને લઇ ઓએસિસ સંસ્થા કે જ્યાં યુવતી રહેતી હતી તેમાં પણ તપાસ ચાલુ રાખી. બીજી તરફ પ્રેશર વધી રહ્યું હતું. રાજ્યના ભલભલા ગુના માત્ર ગણતરીના કલાકોમાં ઉકેલી નાખતા અધિકારીઓ આ કેસમાં ટાઢા પડી રહ્યા હતા. પોલીસ પર રાજ્ય સરકાર તરફથી દબાણ વધી રહ્યું હતું કેસની ઝડપી ઉકેલ લાવવા માટે પોલીસ યુવતી સાથે દુષ્કર્મ થયું ત્યાંથી યુવતીનો મૃતદેહ મળ્યો ત્યાં સુધી યુવતી જ્યાં જ્યાં પણ ગઈ તેના CCTC ફૂટેજ ચેક કર્યા પણ કોઈ જાણકારી ના મળી.

દુષ્કર્મ થયું ના થયું હોવાનો ખુલાસો: ઘટનાને એક મહિના બાદ FSLનો રિપોર્ટ સામે આવ્યો. રિપોર્ટ જોઈ પોલીસની આંખો ફાટી ગઈ. પોલીસ અત્યાર સુધી કેસમાં જે તપાસ કરી રહી હતી તેવું કોઈ સામૂહિક દુષ્કર્મ યુવતી સાથે થયું જ ન હતું. ફરી તપાસને લઈ સવાલ થયો કે પોલીસ માત્ર હવામાં ફાંફાં મારી રહી હતી. તો યુવતીની ડાયરીમાંથી દુષ્કર્મની ઘટના અંગે કરેલી નોંધ ખોટી હતી કે શું? પોલીસ માટે આ સવાલનો જવાબ મેળવવો અઘરો છે કારણ કે યુવતી આ દુનિયામાં નથી રહી. હવે પોલીસે કઈ દિશામાં તપાસ કરવી એ મોટો પડકાર બની રહ્યો છે.

ગૃહ રાજ્યમંત્રી પોલીસનું મનોબળ વધારી રહ્યા છે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસની ટીમનો બચાવ કરી રહ્યા છે. ઘટનાના તથ્ય સુધી પહોંચી જવાના દાવા કરી રહ્યા છે. પણ સત્ય એ છે કે પોલીસને હજી કોઈ પણ પ્રકારના પુરાવા નથી મળી શક્યા. યુવતીનો પરિવાર ન્યાય માટે તડપી રહ્યો છે અને આ ઘટના પાછળ જે પણ લોકો છે તે બિન્દાસ્ત સમાજમાં ફરી રહ્યા છે. યુવતીએ આત્મહત્યા કરી કે તેની હત્યા થઈ? આત્મહત્યા કરી તો શા માટે કરી? યુવતીને મોતના મુખમાં ધકેલનાર કોણ હતું? શું કોઈ મોટું કૌભાંડ દબાવવા યુવતીનો જીવ લેવામાં આવ્યો એવા ઘણા પ્રશ્નો સામે છે પણ સત્ય ક્યારે આવશે? આરોપીઓ ક્યારે પકડાશે? પરિવારને ન્યાય ક્યારે મળશે તેનો જવાબ ન તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે છે ન તો રેલવે પોલીસ પાસે..