આખરે હેડક્લાર્કની પરીક્ષા રદ કરાઇ, જાણો હવે ક્યારે ફરીથી લેવાશે પરીક્ષા?

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષા આખરે રદ કરવામાં આવી હતી. પરીક્ષાનું પેપર ફૂટ્યુ હોવાના સરકારે સ્વીકાર કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ-કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે 14 આરોપીની ધરપકડ થઈ ગઈ છે તેમજ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે આ પરીક્ષા માર્ચમાં ફરીથી લેવાશે. અત્યાર સુધીમાં રૂ.30 લાખ રિકવર કરવામાં આવ્યા છે.ગૌણ સેવા પસંદગી મંડળની ભૂલ હશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે. જો ગમે તે અધિકારીની ભૂલ સામે આવશે તો તેની સામે પગલાં લેવાશે. માર્ચ માસમા યોજાનાર આ પરીક્ષા સંદર્ભે ઉમેદવારોએ ફરીથી ફોર્મ ભરવાના રહેશે નહીં.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી માર્ચ મહિનામાં ફરીવાર હેડક્લાર્કની પરીક્ષા લેવાશે. 70 પરીક્ષાર્થીઓએ પેપર લીધા હતાં તેમને પણ છોડાશે નહીં. હવે એવી વ્યવસ્થા સાથે પરીક્ષા લેવાશે કે ગેરરીતિની કોઈ તક નહીં રહે. પેપર લેનારને એવી સજા કરાશે કે વર્ષો સુધી બહાર નહીં આવી શકે.

ગૃહ રાજ્ય મંત્રીએ આગળ કહ્યું કે, આ ગુના સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યક્તિઓને છટકી જવાની કોઈ પણ તક મળે નહીં તે માટે ગુજરાત પોલીસની અલગ અલગ 24 ટીમો તપાસ માટે બનાવાઇ હતી અને 14 લોકોની ધરપકડ કરી દેવાઇ છે. રાજ્યના 88,000 પરિવારના સપનાઓ એળે નહીં જાય તેની રાજ્ય સરકારે પૂરેપૂરી દરકાર કરી છે. તેમજ આ કેસ કોર્ટમાં ફાસ્ટ ટ્રેક રીતે ચલાવાય તે બાબત પણ રાજ્ય સરકાર સુનિશ્વિત કરશે.

ગાંધીનગરઃ AAPના નેતાઓને કોર્ટમાં રજૂ કરાયા, જાણો કોર્ટે શું આપ્યો આદેશ?

ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન કરનારા આમ આદમી પાર્ટીના નેતાઓને કોર્ટમાં રજૂ કરાયા હતા.  પ્રથમ 9ને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 38 લોકોને કોર્ટમાં લવાયા છે. હાલમાં કોર્ટમાં પહેલા 1થી 9ને પહેલા રજુ કરવામાં આવ્યાં છે, બાદમાં બીજા 9 એમ બધા ને એક બાદ એક રજૂ કરવામાં આવ્યા હતા.  ઇસુદાન, પ્રવીણ રામ, ગોપાલ ઇટાલીયા સહિતના લોકોને કોર્ટમાં હાજર કરાયા હતા. જ્યાં તમામ લોકોના જામીન ના મંજૂર કરાયા અને તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકવામાં આવ્યા હતા.

કમલમ જે બસમાં બેસીને આપના કાર્યકરો અને નેતાઓ આવ્યા હતા તે 8 બસના 10 ડ્રાઈવર અને કંડકટર ને પણ આપના નેતાઓ સાથે જ ધરપકડ કરવામાં આવી હતી,જેને કોર્ટમાં હાજર કરવામાં પણ આવશે. બસના માલિક કોર્ટ રૂમની બહાર છોડાવવા આવ્યા હતા. કોર્ટમાં પણ આમ આદમી પાર્ટીના જામીનદારની પોલીસે અટકાયત કરી છે. ત્યારે આપના નેતા મહેશ સવાણી પણ કોર્ટમાં પહોંચ્યા છે. તેમણે કહ્યું કે, અમે ઉપવાસ પર બેસીશું અને ન્યાય મેળવવા માટેની પ્રક્રિયા કરીશું.

બીજી તરફ વકીલ પ્રણવભાઈ ઠક્કરે કહ્યું હતું કે, ગાંધીનગર કોર્ટમાંથી ટેમ્પો ટ્રાવેલ્સમાં અમારા જામીનદારને પોલીસ ડિટેન કરીને લઈ ગઈ છે. ઝડપાયેલ આરોપી જામીનદારનો પીતરાઈ ભાઈ છે. અમારા વકીલને પણ લઈ જવામાં આવ્યાં છે. જામીન માટે આવેલા આરોપીના પીતરાઈ ભાઈને પણ ડિટેન કરી લેવામાં આવ્યાં છે.

નોંધનીય છે કે AAPના નેતાઓ સામે પોલીસ દ્વારા અલગ અલગ કુલ 18 જેટલી કલમો લગાડી તેમની સામે ધરપકડ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના નેતાએ જણાવ્યું હતું કે ગઈકાલે ખુદ પોલીસ જ અમારી વિરુદ્ધમાં હતી. ત્યારે હવે પોલીસ પર જ અમને ભરોસો નથી, જેથી હવે સીસીટીવી ફૂટેજ અને મીડિયા ફૂટેજના પુરાવા સહિત અમે આ મામલે કોર્ટમાં ફરિયાદ દાખલ કરીશું.

નોંધનીય છે કે ગઇકાલે ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કાંડ મામલે વિરોધપ્રદર્શન અને ચેરમેન અસિત વોરાનું રાજીનામું માગવા ગાંધીનગર ભાજપ કાર્યાલય પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતાઓની છેડતી, રાયોટિંગ સહિતના ગુનામાં ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.  AAPના નેતા ઈસુદાન ગઢવી, નિખિલ સવાણી, પ્રવીણ રામ, ગોપાલ ઈટાલિયા, શિવકુમાર સહિતના નેતાઓની ધરપકડ કરાઇ હતી.

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સોઃ ગેટ પાસે રમી રહેલ બાળકને કારે કચડી નાખ્યું, મામાના લગ્નના પ્રસંગમાં આવ્યો હતો ભાણેજ

ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં માતા પિતા માટે લાલબતી સમાન કિસ્સો બન્યો છે. ગાંધીનગરના સરગાસણ વિસ્તારની એક સોસાયટીમાં 4 વર્ષનું બાળક ગેટ પાસે રમી રહ્યું હતું ત્યારે એક કાર સોસાયટીમાં પ્રવેશતાં બાળક કાર નીચે આવી ગયું હતું. આ અકસ્માતમાં 4 વર્ષીય બાળકનું કરૂણ મૃત્યુ થયું છે.

આ બાળક પોતાની માત સાથે મામાના ઘરે આવ્યું હતું ત્યારે જ આ દુર્ઘટના બની હતી. ગાંધીનગરની બહારના વિસ્તાર સરગાસણની સ્વસ્તિક 42 સોસાયટીની આ ઘટના છે. આ સમગ્ર ઘટનાનાં દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થઈ ગયા હતા.

CCTVમાં જોઈ શકાય છે કે, કાર સોસાયટીમાં એન્ટ્રી કરી રહી હતી ત્યારે જ બાળક ગેટ પર રમી રહ્યું હતું. કારના ડ્રાઈવરે બાળકને જોયા વિના કાર ચલાવી હતી. બાળકને કાર ચાલકે ગાડી નીચે કચડી નાખ્યું હતું. સ્વસ્તિક 42 સોસાયટીમાં મામાના લગ્નમાં બાળક આવ્યું હતું. મામાના ઘરે બની ગોઝારી ઘટના બનતાં લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાઈ ગયો હતો.

મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત પહોંચ્યા ગિફ્ટ સિટી, આ મહત્વના કામને લઈ મેળવી માહિતી

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી પ્રોડેક્ટ એવા ગિફ્ટી સિટીને વેપારમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવવા માટે ભાજપનું સૌથી પ્રથમ આંતરરાષ્ટ્રીય કક્ષાનું બુલિયન એક્સચેન્જ શરૂ કરવામાં આવશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીની મુલાકાત લઇ બુલિયન એક્સચેન્જની કામગીરીની સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગિફ્ટ સિટીની મુલાકાત લઈ ત્યાંની ગતિ વિધિઓની અને ગિફ્ટ સિટીના વિવિધ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી અને વિવિધ પાસાઓની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.

મુખ્યમંત્રી સાથે મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમજ મુખ્યમંત્રીના મુખ્યઅગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર તેમજ વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા. ગિફ્ટસિટીના માંકડ અને તપન રે એ મુખ્યમંત્રીને ગિફ્ટસિટીના સંપૂર્ણ વિઝનનો ખ્યાલ પ્રેઝન્ટેશન દ્વારા આપ્યો હતો.

મહત્વનું છે કે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ આ તેમની ગિફ્ટ સિટીની પ્રથમ મુલાકાત છે. થોડા દિવસ અગાઉ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમને પણ ગિફ્ટસીટીની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી.