ગામડાઓમાં કોરોના સંક્રમણ ફેલાતુ રોકવા માટે બનાસકાંઠા વહીવટી તંત્રએ બનાવ્યો કડક એક્શન પ્લાન, ગ્રામ્ય સ્તરે કરવામાં આવશે આ કામ

પાલનપુરઃ કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચુકી છે. સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાના કેસોમાં વધારો થયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગામડાઓમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે કલેકટર આનંદ પટેલ અને જિલ્લા વિકાસ અધિકાર સ્વપ્નીલ ખરેએ ગ્રામ્યકક્ષાએ તેના કંટ્રોલ માટે સરપંચના અધ્યક્ષસ્થાને સમિતિ રચવાનો નિર્ણય કર્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા માટે ગ્રામ્ય વિસ્તારમાં સરપંચના અધ્યક્ષસ્થાને સમિતીની રચના કરાશે. જેમાં સરપંચ (અધ્યક્ષ), ગ્રામ પંચાયત મંત્રી (સભ્ય સચિવ), પ્રાથમિક શાળાના આચાર્ય, માધ્યમિક શાળાના આચાર્ય (જો હોય તો), ગ્રામ સેવક, દૂધ મંડળીના ચેરમેન/મંત્રી, આરોગ્ય વિભાગના કર્મચારી/ આશા વર્કર, આંગણવાડી કાર્યકર, ગામમાં આવેલી એફ.પી.એસ.ના સંચાલક અને ગામના પ્રતિષ્ઠિત આગેવાનો સમિતિના સભ્યો રહેશે.

આ કમિટીએ ગામમાં કોરોના સંક્રમણ અટકાવવા વિવિધ પ્રકારની તકેદારીને જાળવવા માટેની કામગીરી કરવાની રહેશે. ગામમાં બહારથી આવતા લોકોની યાદી બનાવવી અને ગામમાં આવ્યા પછી કુટુંબના સભ્યો તથા ગ્રામજનોથી એકબીજાના સંપર્કમાં ન આવે (સેલ્ફ આઈસોલેશન) તે માટે તકેદારી રાખવી, ગામમાં રસીકરણમાં બાકી રહી ગયેલા લોકોની યાદી તૈયાર કરી પ્રથમ ડોઝ અને બીજા ડોઝની ૨સીકરણની કામગીરી 100 ટકા પૂર્ણ કરાવી ગામને સુરક્ષિત બનાવવું, શાળાએ જતા 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ તથા શાળાએ ન જતાં કિશોરોનું રસીકરણ આરોગ્ય કર્મચારીઓ/ PHC વગેરેના સંપર્કમાં રહી તાત્કાલીક પૂર્ણ કરાવવું, શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો ધરાવતાં ગામના લોકોનું નજીકના સરકારી દવાખાને ત્વરીત ટેસ્ટીંગ કરાવવું અને જો પોઝીટીવ આવે તો આઈસોલેટ કરવા, ગામમાં કોવિડ ચકાસણી માટે આવતી ટીમને સંપૂર્ણ સહકાર આપવો અને કોરોનાના લક્ષણો ધરાવતાં લોકોને શોધી તેમનું ટેસ્ટીંગ થાય તે સુનિશ્ચિત કરવું, ગામમાં કોવિડ પોઝીટીવ આવેલ વ્યકિત તેમના પરિવારજનો અને અન્ય સ્થાનિકોના સંપર્કમાં ના આવે અને પોતાની જાતને આઈસોલેટ કરે તે રીતે સમજાવવા, આઈસોલેટ થયેલ વ્યક્તિના પરિવારજનોને હૂંફ પુરી પાડીને જરૂરીયાત જણાયે જીવન જરૂરી ચીજવસ્તુઓ ઘરઆંગણે ઉપલબ્ધ બની રહે તે રીતે મદદ પહોંચાડવા સહિતની કામગીરી કરવાની રહેશે.

19 જાન્યુઆરીએ સમિતિની પ્રથમ બેઠક બપોરે 12.00 કલાકે યોજાશે. જેમાં તમામ અધિકારીઓને ઉપસ્થિતિ રહેવા આદેશ કરવામાં આવ્યો છે. પ્રથમ બેઠક ઉપરાંત આ કમિટીની બેઠક જયાં સુધી અન્ય સુચના ના મળે ત્યાં સુધી એકાંતરા દિવસે યોજવામાં આવશે.

કોરોનાની રસી નહી લીધી હોય તે લોકો માટે ઓમિક્રોન બની શકે છે ખતરનાક

ઓમિક્રોન વેરીએન્ટની એન્ટ્રી બાદ વિશ્વમાં ફરીથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે. અમેરિકા અને યુરોપિયન દેશોમાં સંક્રમણ ખતરનાક સ્તરે ફેલાયું છે. લોકો માટે ઓમિક્રોન વેરીએન્ટ વધુ ગંભીર બની શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે, કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોનએ લોકો માટે ખતરનાક છે જેમણે વેક્સિન નથી લીધી.

WHO ના પ્રમુખ ટ્રેડ્રોસ અધનોમનું કહેવું છે કે,ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા વેરિઅન્ટની તુલનાએ એટલો ગંભીર નથી, પણ ગંભીર બીમારીથી પીડતા લોકો માટે ખતરનાક સાબિત થઇ શકે છે. આફ્રિકન દેશોમાં ઓછા વેક્સિનેશન પર ચિંતા વ્યક્ત કરતા WHOએ કહ્યું કે,’ આફ્રિકામાં 85 ટકા લોકોને હજુ વેક્સિનનો પહેલો ડોઝ પણ નથી અપાયો, ત્યારે આ સ્થિતિ બદલવાની જરૂર છે.’ સાથે જ પ્રત્યેક દેશોમાં વર્ષના મધ્ય સુધી 70 ટકા વેક્સિનેશનનું લક્ષ્ય ઘણુ દુર છે. કારણ કે, 90 દેશોએ 40 ટકા રસીકરણનો આંકડો પણ પાર નથી કર્યો. જ્યારે 36 દેશ એવા છે, જ્યાં 10 ટકાથી ઓછું વેક્સિનેશન થયું  છે. 

કોરોનાએ વૈશ્વિક સ્તરે તોડયાં તમામ રેકોર્ડ
24 કલાકમાં જ વિશ્વમાં 31.50 લાખ કેસ
વિશ્વભરમાં કુલ કેસ 31.75 કરોડને પાર
વિશ્વભરમાં કુલ એક્ટિવ કેસ 4.91 કરોડ
USમાં છેલ્લાં 24 કલાકમાં 8.14 લાખ કેસ
ફ્રાન્સમાં કોરોનાનો સૌથી ભીષણ સમય
ફ્રાન્સમાં 24 કલાકમાં જ 3.61 લાખ કેસ

પાકને સામે ચૂસીયા પ્રકારની જીવાતો અને ઇયળોથી પાકનું રક્ષણ આપશે નીમાસ્ત્રઃ ઘરે બનાવવાની રીત જાણો

ખેડૂત ખેતી કરવા માટેની તૈયારીઓ શરૂ કરે છે ત્યારે તેની સૌથી મોટી ચિંતા હોય છે કે પાકનું જીવાતોથી કેવી રીતે રક્ષણ કરવું. ચૂસીયા અને નાની ઇયળો પાકને નુકસાન ઘણું નુકસાન પહોંચાડે છે. ખેડૂતે આ ઇયળોથી રક્ષણ માટે મોંઘા અને ઝેરી કેમિકલયુક્ત કીટનાશકોનો છંટકાવ કરે છે. પરંતુ વધુ પડતા કેમિકલના ઉપયોગથી પાકની ગુણવત્તા પર અસર પડી શકે છે. પરંતુ કેટલાક પ્રાકૃતિક ઉપચારથી વગર કેમિકલનું નિમાસ્ત્ર તૈયાર કરી પાક પર છંટકાવ કરવાથી પાકને ચુસીયા અને ઇયળોથી બચાવી શકાશે અને પાકને કેમિકલની અસરથી પણ દૂર રાખી શકાશે.

નિમાસ્ર બનાવવાની રીત

સામગ્રી
200 લીટર પાણી
10 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર
2 કિલો દેશી ગાયનું છાણ
10 કિલો કડવા લીમડાના પાંદડા અન કુંબડી ડાળીઓ
10 થી 12 કિલો ખાંડેલી લીંબોળી

આ બધી ચીજવસ્તુઓ એકત્ર થયા બાદ નીમાસ્ત્ર બનાવવાની શરૂઆત કરવી જોઇએ જેથી બનાવતી વખતે કોઇ ચીજવસ્તુ ખુટે નહી તેની ખાસ કાળજી રાખવી.

નીમાસ્ત્ર બનાવવાની પદ્વતિ
તમામ સામગ્રીનું મિશ્રણ બનાવવું
આ મિશ્રણને કોથળાથી ઢાંકી 48 કલાક માટે છાયડામાં રાખવું
સવાર-સાંજ 1-1 મિનિટ માટે ઘડિયાળના કાંટાની દિશામાં લાકડાના ડંડાથી હલાવવું
ત્યારબાદ ગાળીને સંગ્રણ કરવો

હવે છંટાકવા કરવા માટે નિમાસ્ત્ર તૈયાર બનશે. પ્રતિ એકર 100 થી 200 લીટર પાણીમાં 6 થી 8 લીટર નીમાસ્ત્ર અર્ક મિશ્રિત કરીને પાક પર છાંટવું.

નીમાસ્ત્ર એકવખત તૈયાર કર્યા બાદ તેને 3 મહિના સુધી ઉપયોગમાં લઇ શકાય છે.

આમ ઘરે જ સંપૂર્ણ પ્રાકૃતિક રીતે તૈયાર કરેલું નીમાસ્ત્ર ચૂસીયા જેવી જીવાત અને નાની ઇયળોથી પાકને સંપૂર્ણ રક્ષણ કરશે. ઉપરાંત કેમિકલયુક્ત જંતુનાશકોની મોંઘા ખર્ચથી પણ બચાવે છે. પ્રાકૃતિક ખેતીમાં નીમાસ્ત્ર ખૂબ જ ઉપયોગી સાબિત થઇ રહ્યું છે. લાખો ખેડૂતોએ નીમાસ્ત્ર તૈયાર કરી પાક પર છંટકાવ કરી તેનો લાભ મેળવ્યો છે.

સુરતમાં ભોપાલ ગેસ દુર્ઘટના જેવી ટ્રેજેડીઃ ઝેરી કેમિકલ વેસ્ટ ઠાલવતી વખતે ગેસ લીકેજ થતા 6 શ્રમિકોના મોત

સુરતની સચીન GIDC ચાર રસ્તા પાસે આવેલી ખાડીમાં ગેરકાયદેસર રીતે ઝેરી કેમિકલ ઠાલવી રહેલા ટેન્કરમાંથી ગેસ લીકેજ થતા 6 લોકોના મોત થયા હતા. સુરતની આ ખાડીમાં હજારો લીટર કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવે છે. ટેન્કરમાંથી ઝેરી કેમિકલ વેસ્ટ ઠાલવતી વખતે લાઇનમાંથી ગેસ લીકેજ થતા પાસે આવેલી કંપનીમાં કામ કરતા શ્રમિકોને ગેસના કારણે ગુંગળામણ થવા લાગી હતી. આ ઘટનામાં જેમાં 6 લોકોના મોત થયા છે જ્યારે 22થી વધુ શ્રમિકોને ઝેરી કેમિકલ ગેસની અસર થતાં આ શ્રમિકો ગૂંગળાયા હતા. આ શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રાપ્ત જાણકારી મુજબ ઝેરી કેમિકલ ટેન્કરમાં લીકેઝને કારણે આ ઘટના બની હતી.

ઝેરી કેમિકલ ટેન્કરમાં લીકેઝ થવાથી બનેલી આ ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. ગૂંગળામણથી બિમાર પડેલા તમામ શ્રમિકોનું રેસ્ક્યુ કરીને સારવાર ખસેડ્યા હતા. આ શ્રમિકોમાંથી કેટલાને ગંભીર અસર થતાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

આ ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું હતું કેઃ ‘સુરત ખાતે ગેસ લીક થવાથી ઘણા લોકોના દુર્ભાગ્યપૂર્ણ નિધન થયા છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ ઘટનામાં જે લોકો બીમાર પડ્યા છે તેમના સ્વાસ્થ્યની કામના કરું છું.’

સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અજાણ્યા શખ્સો સામે 304-અ અને 120 બી મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોઇન્ટ પોલીસ કમિશન શરદ સિંગલે જણાવ્યું હતું કે, ખાડીમાં ગેરકાયદે રીતે ઝેરી કેમિકલ ઠાલવવામાં આવી રહ્યું હતું. FSLની ટીમ અને ક્રાઇમ બ્રાન્સ સહિતની એજન્સીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, આ દુર્ઘટના મુદ્દે તેઓ સતત સુરત પોલીસના સંપર્કમાં છે. સુરત પોલીસ કમિશનરને આ મુદ્દે તપાસ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. પરંતુ મહત્વનું છે કે, સુરતમાં GIDC આસપાસના વિસ્તારમાં અંકલેશ્વર, તારાપુર અને વાપીમાંથી કેમિકલ કંપનીઓ દ્વારા ઝેરી કેમિકલ વેસ્ટ ખાડીમાં ઠાલવવામાં આવે છે. જેના માટે પોલીસ અને વહીવટી તંત્રને લાખો રૂપિયા આપવામાં આવે છે.