ગુજરાતમાં સર્જાશે રાજકીય ભૂકંપઃ ભાજપને પાઠ ભણાવવા કેટલાક રાજકીય આગેવાનો એક છત્ર હેઠળ એકત્ર થવાના ભણકારા!

અમદાવાદઃ ગુજરાતમાં રાજકીય માહોલ ઘણો ગરમ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાની નિમણૂંક કરી દેવામાં આવે છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોર દાવો કરી રહ્યાં છે કે એક મહિનામાં ગુજરાતની જનતાને લાગશે કે કોંગ્રેસ એલર્ટ છે અને 27 વર્ષના ભાજપના જોહુકમીભર્યા શાસનમાંથી લોકોને મુક્તી અપાવીશું. ઠાકોરના આ નિવેદન સમયે જ ગુજરાતની રાજનીતિમાં મોટા ફેરફારોના સંકેત પણ મળી રહ્યાં છે. પાટીદાર આગેવાન નરેશ પટેલ પણ હવે સામાજિકની સાથે રાજકીય ક્ષેત્રમાં એન્ટ્રી કરવાના સંકેત આપ્યા છે.

આધારભૂત સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. પરંતુ એક નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાશે એટલું નહી પરંતુ ભાજપને સત્તામાંથી હટાવવા માટે ગુજરાતના અન્ય રાજકીય નેતાઓ પણ કોંગ્રેસના છત્રમાં એકત્ર થવાની અંદરખાને મોટી કવાયત ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાત AAPમાં નારાજગીનો પવન ફૂંકાઇ રહ્યો છે. ત્યારે AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, સિનિયર નેતા અને ઉદ્યોગપતિ મહેશ સવાણી પણ નરેશ પટેલની સાથે કોંગ્રેસમાં જોડાઇ શકે તેવી અટકળો ચાલી રહી છે. નરેશ પટેલના નિર્ણયની રાહ જોવામાં આવી રહી હોય તેમ જાણવા મળી રહ્યું છે.

બીજી તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને કેબિનેટ મંત્રીઓ બનેલા કેટલાક નેતાઓને નવા મંત્રીમંડળમાંથી પડતા મુકવામાં આવ્યા હતા. આ નેતાઓ પોતાના અપમાન બદલ ભાજપથી નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે. અંદરખાને આ નારાજ નેતાઓનો કોંગ્રેસે સંપર્ક કર્યો હતો અને તેમને ફરીથી કોંગ્રેસમાં પરત લેવા માટે તૈયારી દર્શાવી હતી. આ નેતાઓમાં જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, અલ્પેશ ઠાકોર સિવાય અન્ય નેતાઓ કે જેમને હાલમાં સાઇડલાઇન કરવામાં આવ્યા છે તેઓ પણ પાછા કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

આટલા મોટા ફેરફાર માટેની રૂપરેખા દિલ્લીમાં ઘડાઇ રહી છે. તેની પાછળ કોંગ્રેસના સિનિયર લીડર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત હોવાનું જાણવા મળી રહ્યું છે. નરેશ પટેલને કોંગ્રેસ કેમ્પેઇન કમિટીના હેડ બનાવવાની ઓફર પણ કરી છે. અશોક ગેહલોતના કહેવાથી જ ભરતસિંહ સોલંકી ખોડલધામ દર્શન કરવાના બહાને નરેશ પટેલને મળવા ગયા હતા. નરેશ પટેલે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે બેઠક પણ કરી હતી. ગુજરાતમાં રાજકીય ભૂકંપ સર્જાશે તે નક્કી છે પરંતુ ક્યારે અને કેવી રીતે તે ખાસ જોવાનું રહેશે.

2020-21માં કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત ટોચ પર, દેશભરમાં કુલ 100 આરોપીઓનાં મોત

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં જ કસ્ટોડિયલ ડેથ અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2020-21માં સૌથી વધુ 17 કસ્ચોડિયલ ડેથ સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 1 વર્ષમાં દેશમાં લગભગ 100 જેટલા આરોપીઓના કસ્ટોડિયલ ડેથ થયા છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે, કેલેન્ડર વર્ષ 2018-19માં ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં 13, એ પછી વર્ષ 2019-20માં 12, જ્યારે 2020-21માં પોલીસ કસ્ટડીમાં મોતનો આંકડો વધીને 17 થયો છે. રાજ્યમાં પોલીસ કસ્ટડીમાં મોતના 7 કિસ્સામાં નેશનલ હ્યુમન રાઈટ કમિશને જે તે મૃતકના પરિવારને સહાય પૂરી પાડવા ભલામણ કરી છે.

કયા રાજ્યમાં કેટલાં મોત

 • ગુજરાત – 17 મોત
 • મહારાષ્ટ્ર – 13 મોત
 • ઉત્તર પ્રદેશ – 8 મોત
 • પશ્ચિમ બંગાળ – 8 મોત
 • મધ્ય પ્રદેશ – 8 મોત
 • ઝારખંડ – 5 મોત
 • કર્ણાટક – 5 મોત
 • દિલ્હી – 4 મોત
 • ઓડિશા – 4 મોત
 • આધ્રપ્રદેશ – 3 મોત
 • બિહાર – 3 મોત
 • રાજસ્થાન – 3 મોત
 • છત્તીસગઢ – 3 મોત
 • હરિયાણા – 3 મોત
 • પંજાબ – 2 મોત
 • જમ્મુ-કશ્મીર – 2 મોત
 • અરુણાચલ પ્રદેશ – 1 મોત
 • આસામ – 1 મોત
 • કેરળ – 1 મોત
 • ઉત્તરાખંડ – 1 મોત
 • તેલંગાણા – 1 મોત

NCRBના રિપોર્ટમાં પણ ગુજરાતની છબી ખરડાઈ

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો (NCRB)ના ક્રાઈમ ઈન ઈન્ડિયા ઈન 2020ના રિપોર્ટમાં પણ કસ્ટોડિયલ ડેથના આંકડા જાહેર થયા હતા, જેમાં ગુજરાતમાં સૌથી વધુ કસ્ટોડિયલ ડેથ થયા હતા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ વિના રાખવામાં આવેલા 15 ટકા લોકોના મોત થયા હતા.

સૌરાષ્ટ્રને ઝટકો: કોંગ્રેસમાં મહત્વના બંને પદમાંથી સૌરાષ્ટ્રના નેતાઓની બાદબાકી

ગુજરાતમાં કોંગ્રેસમાં પ્રમુખ પદેથી અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીએ રાજીનામાં આપ્યા બાદ કોંગ્રેસ સહિત લોકોના મનમાં એક જ પ્રશ્ન હતો કે કોંગ્રેસનુ સુકાન કોને મળશે તે સવાલ પર આખરે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે.

હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના પ્રતિષ્ઠિત નેતા જગદીશ ઠાકોરના માથે કળશ ઢોળ્યો છે જ્યારે વિરોધ પક્ષના નેતા તરીકે આદિવાસી નેતા સુખરામ રાઠવાની વરણી કરવામાં આવી છે.

ગુજરાત કોંગ્રેસમાં નેતા વિપક્ષ સાથે પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત આજે લગભગ 4 વાગ્યે થશે. બપોરે ગુજરાત કોંગ્રેસની ધારાસભ્ય દળની એક બેઠક મળશે આ બેઠક બાદ બંને નેતાઓના નામની જાહેરાત કરવામાં આવશે. આગામી વિધાનસભાની ચૂંટણીને આ઼ડે હવે એક વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે કોંગ્રેસને પ્રદેશમાં બેઠી કરવા નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાને અનેક પડકારોનો સામનો કરવો પડશે.

પ્રદેશ કોંગ્રેસના મહત્વના પદોમાંથી સૌરાષ્ટ્ર બાકાત રખાયું છે. ભાજપ પછી હવે કોંગ્રેસમાં પણ સૌરાષ્ટ્ર મહત્વના પદ પરથી આઉટ થયું છે. જોકે પ્રચાર કમિટીનું સુકાન સૌરાષ્ટ્રને મળે તેવી શક્યતાઓ છે. કાર્યકારીમાં સૌરાષ્ટ્રને સ્થાન અપાય તેવી ડિમાન્ડ આંતરિક સ્તરે ઉઠી છે. બીજી બાજુ ધારાસભ્ય વિરજી ઠુમ્મર આજે મળનારી બેઠકમાં ભાગ ન લઈ શકે તેવી શક્યતાઓ છે. વિરજી ઠુમ્મરે પરિવારમાં લગ્ન પ્રસંગનું કારણ આગળ ધર્યું છે.

આ કથાકારે CM ભૂપેન્દ્ર પટેલને આપી ધમકી, કહ્યુ ‘એક કરોડ મોકલો નહી તો ત્રણ મહિનામાં ઉપાડીને ફેંકી દઇશ’

બનાસકાંઠાના એક કથાકારે વીડિયો બનાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધમકી આપતા ખળભળાટ મચી ગયો છે. બે મિનિટના વીડિયોમાં કથાકાર મુખ્યમંત્રીને અગિયાર દિવસમાં એક કરોડ રૂપિયા આપી જવાની માંગ કરી રહ્યો છે. જો પૈસા નહીં આપે તો ઉપાડીને ફેંકી દેવાની પણ ધમકી આપતો જોવા મળી રહ્યો છે.

 મુખ્યમંત્રીને ધમકી આપનાર કથાકારની ઓળખ બનાસકાંઠાના વાવ તાલુકાના બટુક મોરારિબાપુ મહેશ ભગત તરીકે થઇ છે. વીડિયોમાં કથાકાર મુખ્યમંત્રીને સંબોધીને કહી રહ્યો છે કે અગિયાર દિવસમાં એક કરોડ રૂપિયા મોકલી આપો નહીં તો ત્રણ મહિનામાં જ ઉપાડીને ફેંકી દઈશ.


મહેશ ભગત બટુક મોરારિબાપુ મુખ્યમંત્રીને ધમકી આપતા કહી રહ્યો છે કે સાત તારીખ સુધીમાં એક કરોડ રૂપિયા મને ગમે ત્યાંથી મોકલાવી દેજો નહીં તો ગુજરાતમાં કોઈ દિવસ પટેલને રાજ નહીં કરવા દવ અને તું પણ અકસ્માતમાં માર્યો જઈશ. એક કરોડ રૂપિયા પકડાવી જજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી સમજી ગયા. તમને ગાદીએ બેસાડ્યા છે ને તો એક કરોડની દક્ષિણા આપી જાવ. વીડિયો વાયરલ થયા બાદ આ કથાકાર ફરાર થઇ ગયો છે.