સુરતની સચીન GIDC ચાર રસ્તા પાસે આવેલી ખાડીમાં ગેરકાયદેસર રીતે ઝેરી કેમિકલ ઠાલવી રહેલા ટેન્કરમાંથી ગેસ લીકેજ થતા 6 લોકોના મોત થયા હતા. સુરતની આ ખાડીમાં હજારો લીટર કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવે છે. ટેન્કરમાંથી ઝેરી કેમિકલ વેસ્ટ ઠાલવતી વખતે લાઇનમાંથી ગેસ લીકેજ થતા પાસે આવેલી કંપનીમાં કામ કરતા શ્રમિકોને ગેસના કારણે ગુંગળામણ થવા લાગી હતી. આ ઘટનામાં જેમાં 6 લોકોના મોત થયા છે જ્યારે 22થી વધુ શ્રમિકોને ઝેરી કેમિકલ ગેસની અસર થતાં આ શ્રમિકો ગૂંગળાયા હતા. આ શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પ્રાપ્ત જાણકારી મુજબ ઝેરી કેમિકલ ટેન્કરમાં લીકેઝને કારણે આ ઘટના બની હતી.
ઝેરી કેમિકલ ટેન્કરમાં લીકેઝ થવાથી બનેલી આ ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. ગૂંગળામણથી બિમાર પડેલા તમામ શ્રમિકોનું રેસ્ક્યુ કરીને સારવાર ખસેડ્યા હતા. આ શ્રમિકોમાંથી કેટલાને ગંભીર અસર થતાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
આ ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું હતું કેઃ ‘સુરત ખાતે ગેસ લીક થવાથી ઘણા લોકોના દુર્ભાગ્યપૂર્ણ નિધન થયા છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ ઘટનામાં જે લોકો બીમાર પડ્યા છે તેમના સ્વાસ્થ્યની કામના કરું છું.’
સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અજાણ્યા શખ્સો સામે 304-અ અને 120 બી મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જોઇન્ટ પોલીસ કમિશન શરદ સિંગલે જણાવ્યું હતું કે, ખાડીમાં ગેરકાયદે રીતે ઝેરી કેમિકલ ઠાલવવામાં આવી રહ્યું હતું. FSLની ટીમ અને ક્રાઇમ બ્રાન્સ સહિતની એજન્સીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, આ દુર્ઘટના મુદ્દે તેઓ સતત સુરત પોલીસના સંપર્કમાં છે. સુરત પોલીસ કમિશનરને આ મુદ્દે તપાસ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. પરંતુ મહત્વનું છે કે, સુરતમાં GIDC આસપાસના વિસ્તારમાં અંકલેશ્વર, તારાપુર અને વાપીમાંથી કેમિકલ કંપનીઓ દ્વારા ઝેરી કેમિકલ વેસ્ટ ખાડીમાં ઠાલવવામાં આવે છે. જેના માટે પોલીસ અને વહીવટી તંત્રને લાખો રૂપિયા આપવામાં આવે છે.