રાજકોટની ઇમ્પિરિયલ પેલેસ હોટલ ફરી વિવાદમાં આવીઃ ન્યૂડ વીડિયો વાયરલ થયા બાદ હવે હોટલમાંથી જુગારધામ ઝડપાયું

રાજકોટઃ યાજ્ઞિક રોડ પર આવેલ હોટેલ ઇમ્પીરિયલ પેલેસ વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી યાજ્ઞિક રોડ પર આવેલ હોટલ ઇમ્પીરિયલ પેલેસ માથી જુગારધામ ઝડપી પાડ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હોટલના મેનેજર રિસેપ્શનિસ્ટ સહિત કુલ 12 વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. તેમજ હાલ જુગાર ધામનું સંચાલન કરનારા 2 સંચાલકો સહિત કુલ 10 વ્યક્તિઓની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્થળ પરથી 10,24,000થી વધુની રોકડ રકમ કબજે કરવામાં આવી છે. જ્યારે કે, આરોપીઓની ફોર્ચ્યુનર કાર તેમજ સફારી કાર પણ કબજે કરવામાં આવી છે.

સમગ્ર મામલે dcp પ્રવિણકુમાર મીણા દ્વારા પ્રેસ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ ગઢવી અને તેમની ટીમના પીએસઆઇ એમ. એમ. ઝાલા તેમજ મહેશભાઈ મંઢ, સંજયભાઈ ચાવડા તેમજ જગદીશભાઈ વાંક ને ગુપ્ત રાહેથી બાતમી મળી હતી કે, યાજ્ઞિક રોડ પર આવેલી હોટલ ઇમ્પેરિયલ પેલેસ માં નરેન્દ્રસિંહ જાડેજા તેમજ વિપુલભાઈ બેચરા નામના વ્યક્તિઓ જુદી જુદી વ્યક્તિઓને બોલાવી રૂમ નંબર 605 માં જુગાર રમાડી રહ્યા છે. તેમજ તેઓએ સોહીલ કોઠીયા નામના વ્યક્તિનું આધાર કાર્ડ આપી રૂમ બુક કરાવ્યો છે. સમગ્ર મામલે જુગારધામ સંચાલકો દ્વારા હોટલના મેનેજર જોન કુરીયા કોશનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. ત્યારબાદ મેનેજર દ્વારા રિસેપ્શનિસ્ટ પ્રીતિબેન પટેલને ફોન કરી સાહિલ કોઠીયા નામના વ્યક્તિ ના ઓળખ પત્ર પરથી રૂમ બુક કરવા જણાવ્યું હતું. આમ ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં તેમજ આરોપીઓની પૂછપરછમાં હોટલના મેનેજર તેમજ રિસેપ્શનિસ્ટ ની પણ ગુનાના કામે મદદગારી સામે આવી છે.

Dcp પ્રવિણકુમાર મીણાએ પ્રેસ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જરૂર જણાશે તો હોટલના માલિકની પૂછપરછ પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પૂર્વે જ હોટેલ ઇમ્પેરિયલ પેલેસ વિવાદમાં સપડાઇ હતી. એક યુવતી હોટલના છઠ્ઠા માળે રૂમ નંબર 605 માં અશ્લીલ ડાન્સ કરી રહી હોય તે પ્રકારનો વિડીયો કોઈ વ્યક્તિએ બનાવ્યો હતો. જે બાબતની તપાસ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસ એ ડિવિઝન દ્વારા કરવામાં આવી હતી.

જ્યારે કે હોટલના અન્ય મેનેજરને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં હોટેલના અન્ય મેનેજરે હોટલમાં ચાલતા જુગારધામ અંગે કંઈ પણ ખબર ન હોવાનું રટણ રટ્યું હતું. તેમજ હોટલમાં રૂમ બુક કરાવ્યા બાદ લોકો રૂમમાં શું કરે છે તે અંગે હોટલ સ્ટાફ ધ્યાન ન રાખતો હોવાનું જણાવ્યું હતું.

ધોરાજી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, જયેશ રાદડિયાએ ખેડૂતોનો માન્યો આભાર

ધોરાજી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ખેડૂત વિભાગની તમામ 10 બેઠક પર ભાજપનો વિજય થયો છે. આ વિજય સાથે જયેશ રાદડિયાના પ્રભાવમાં પણ વધારો થયો હતો. જયેશ રાદડિયાએ રાજકોટ, જેતપુર, જામકંડોરણા, ઉપલેટા, ગોંડલ અને હવે ધોરાજી માર્કેટયાર્ડમાં પણ ભાજપનો ભગવો લહેરાવી દીધો છે.

ધોરાજી માર્કેટિંગયાર્ડની ચૂંટણીનું ગઈકાલે ગુરુવારે મતદાન યોજવામાં આવ્યું હતું અને આજે તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. માર્કેટિંગ યાર્ડની 14 બેઠકોની ચૂંટણીમાં 10 ખેડૂત બેઠક, 4 વેપારીની બેઠક માટે 15 ઉમેદવારનો ચૂંટણીજંગ ખેલાયો હતો.

ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારોમાં નિલેશ કણસાગરા, ચાવડા પ્રધ્યુમનભાઈ, ઠેસીયા જયસુખભાઈ, પેથાણી જયસુખભાઈ, બરોચીયા કૈલાસભાઈ, બાબરિયા ધીરજલાલ, હરકિશનભાઈ માવાણી, સરવૈયા અર્જુનસિંહ, સાપરિયા કિરીટભાઈ સહિતના કુલ 10 ઉમેદવારોની જીત થઈ છે.

પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું હતું કે  રાજકોટ જિલ્લામાં તમામ સહકારી ક્ષેત્રોમાં જ્યાં ચૂંટણી થઈ ત્યાં અને બિનહરીફ હોઈ ત્યાં ભાજપનો ભગવો લહેરાયો છે અમારો સર્વત્ર વિજય છે અને લોકોની અમારી સાથે વિશ્વાસ સાથે લોકચાહના છે. જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરીયાએ સમગ્ર રાજકોટ જિલ્લામાં સહકારી ક્ષેત્રમાં પણ ખેડૂતોએ ભાજપ ઉપર વિશ્વાસ દર્શાવ્યો છે તે બદલ ખેડૂતો સહકારી મંડળીઓ અને સહકારી સંસ્થાનો આભાર માન્યો હતો

રાજકોટના યાજ્ઞિક રોડ પર એક બિલ્ડીંગનો જર્જરીત બાલ્કનીનો ભાગ તૂટી પડ્યો, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

રાજકોટ:  યાજ્ઞિક રોડ પર આવેલ ધનરજની બિલ્ડીંગમાં બાલ્કનીનો ભાગ તૂટી પડતા કેટલાક લોકો ફસાયા કાટમાળમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને પગલે હાલ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. સ્થાનિકો દ્વારા કાચ તોડી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવાનું કામગીરી કરવામાં આવી રહી છે.

યાજ્ઞિક રોડ પર બનેલી આ મોટી દુર્ઘટનાને પગલે ખરીદી કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટના અંગેના સમાચાર મળતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બિલ્ડીંગનો પ્રથમ માળ બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, છત તૂટી પડતા ત્યાં પાર્ક કરેલા 7 જેટલા વાહનોને મોટી નુકસાની પહોંચી છે. આ બનાવની જાણ થતાં જ આસપાસના સ્થાનિકો ઉમટી પડ્યા હતા. જોકે, સદનસીબે છત એવા સમયે પડી કે જ્યારે રાહદારી કે વાહન ચાલકોની ચહલ પહલ ન હતી જેના કારણે જીવ બચી જવા પામ્યા હતા.

ધનરજની બિલ્ડીંગમાં જે વેપારીની દુકાન ધરાશાયી થઈ હતી તેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે. અન્ય કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક કૌભાંડ આવ્યું સામે, વિભાગના વડા જ ઇન્ટરવ્યૂ માટે લઇ રહ્યાં પૈસા!

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક બાદ એક કૌભાંડો સામે આવતા વિદ્યાનું ધામ સવાલોના ઘેરામાં આવી ગયું છે. સૌરાષ્ટ્રભરના લોકો અને વિદ્યાર્થીઓનો યુનિવર્સિટી પર આંધળો વિશ્વાસ હોય છે. પરંતુ અહી તો પ્રોફેસરો, સત્તાધીશો અને સિન્ડીકેટ સભ્યો તમામ પોતાનું ભાગનું લૂંટવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે સવાલ એ છે કે, યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ઉભી કરવામાં આવી છે કે, પછી ઉચ્ચ લોકોને નાણાં કમાવવા માટે ઉભી કરાઇ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો અને વિભાગોના વડાઓ પોતાની ફરજ ભૂલીને જે રસ્તેથી નાણાં મળે તે રીતે કમાઇ લેવામાં રચ્યા પચ્યા રહે છે. યુનિવર્સિટીમાં ભવનના વડા અને સિનિયર ફેલકટી મેમ્બર ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા માટે 3-3 હજાર રૂપિયાના બીલ મુકતા હોવાનું સામે આવ્યું છે. જો કે, વિભાગના વડા અને ફેકલ્ટી મેમ્બર હોવાથી ઇન્ટરવ્યૂમાં હાજર રહેવું એ તેમની ફરજ છે. તો પછી ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા માટેના બીલ શા માટે અને કોના કહેવાથી મુકવામાં આવી રહ્યાં છે. અને જો આવા બીલ મુકવામાં આવી રહ્યાં છે તો યુનિવર્સિટી દ્વારા આવા બીલ પાસ કેવી રીતે કરવામાં આવી રહ્યાં છે? આ તમામ પ્રશ્નોને લઇ ફરીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અને તેના સત્તાધીશો સવાલોના ઘેરામાં છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પહેલા માટીકાંડ ત્યારબાદ ભરતીકાંડ અને હવે ઇન્ટરવ્યૂ લેવાના નામે 3-3 હજાર રૂપિયાના બીલ મુકીને રોકડી કરી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. હજી તો આ તમામ કાંડ અંગે તપાસ ચાલી રહી છે. પરંતુ હવે જે જવાબદારી છે તે તેમાં પણ નાણાં લેવાની કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં કોણ કોણ સામે છે. કેવી રીતે કૌભાંડ ચાલે છે તે અંગે કુલપતિએ જણાવ્યું હતું કે, પોતાના જ ભવનમાં પ્રોફેસરની નિમણૂંક માટેના ઇન્ટરવ્યૂમાં હાજર રહેવું તે ભવનના વડાની ફરજનો ભાગ છે. પરંતુ વર્ષોથી આવી દલા તરવાડી જેવી નીતિ ચાલી આવે છે. સામાન્ય રીતે અધ્યાપકોની ભરતી પ્રક્રિયા સમયે બહારથી આવતા એક્સપર્ટની પેનલને યુનિવર્સિટી 3 હજાર રેમ્યુનેશનના ચુકવે છે. ઇન્યરવ્યૂમાં ભવનના વડા, સિન્ડીકેટ સભ્ય, કુલપતિએ નીમેલા સભ્ય, વિષ્ય નિષ્ણાંતે ઉપસ્થિત રહેવાનું હોય છે. પરંતુ તેમ છતાં અનેક ભવનના વડાઓએ બીલ મુક્યા છે.