પ્રસિદ્વી મહત્વની કે જીવનઃ કોરોનાના વધતા કેસ વચ્ચે સુશાસન સપ્તાહની ઉજવણી અટકાવી ન શકાય?

વડોદરાઃ રાજ્યમાં છેલ્લા 3 દિવસમાં કોરોના કેસની સંખ્યા બમણી થઇ ગઇ છે. અમદાવાદમાં જ સોમવારે 100 કરતા વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. સ્થિતિ એટલી ગંભીર બની ગઇ કે સરકાર તાત્કાલિક બેઠક બોલાવી નાઇટ કર્ફ્યુ અંગે નિર્ણય લઇ રાત્રે એકઠી થતી ભીડને અટકાવવાનો નિર્ણય લીધો પરંતુ સવાલ એ ઉભો થાય છે કે, સરકારી કાર્યક્રમમાં દિવસે એકત્ર થતી ભીડથી કોરોના સંક્રમણ નહી ફેલાય. સરકારી કાર્યક્રમોમાં એકઠી થતી ભીડથી સંક્રમણ મોટા પ્રમાણમાં ફેલાય નહી તેના શું આ કાર્યક્રમોનું આયોજન રદ્દ ન કરી શકાય?

વડોદરામાં આજે સુશાસન સપ્તાહ હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં એકઠી થયેલી ભીડે ખાવા માટે પડાપડી કરી. વડોદરામાં સુશાસન સપ્તાહના ભાગરૂપે કૃષિ, સહકારિતા અને ખેડૂત કલ્યાણ દિવસની ઉજવણીમાં નિયમોના લીરેલીરા ઉડ્યા હતા. મોટી સંખ્યામાં લોકોને કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હતા. એક તરફ પ્રધાનમંત્રી અને સરકાર નિયમોના પાલન માટે અપીલ કરી રહ્યાં છે તો બીજા બાજુ સરકાર દ્વારા લોકોના એકત્ર થાય તેવા કાર્યક્રમોનું આયોજવ કરવામાં આવી રહ્યું છે. જમણવાર હોવાથી ખેડૂતોએ જમવા પડાપડી કરી હતી. જમવા માટે મોટી મોટી લાઇનો જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ક્યાંય પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું.

સામાન્ય સંજોગોમાં કોઇ પણ ખાનગી વ્યક્તિ દ્વારા હોટલ કે પાર્ટી પ્લોટમાં પાર્ટીનું આયોજન કરવામાં આવે ત્યારે તેના ઓર્ગેનાઇઝર અને જગ્યાના માલિક સામે પોલીસ કાર્યવાહી કરે છે પરંતુ જ્યારે કાર્યક્રમ ભાજપ કે સરકારનો હોય તો આ જ પોલીસ રક્ષાણાત્મક ભૂમિકામાં આવીને ઉભી થઇ જાય છે. પોલીસના બેવડા વલણથી પણ લોકોમાં રોષ જોવા મળે છે. આ ભોજન સમારંભમાં સૌથી મોટી વાત તો એ છે કે, રસોઇયા અને પીરસનાર કોઇ પણ વ્યક્તિએ માસ્ક પહેરવાની તસ્દી લીધી ન હતી.

એક તરફ લોકો લાઇનો લગાવીને ભોજન લેવા માટે પડાપડી કરી રહ્યાં હતા ત્યાં બીજી તરફ નેતાઓ અને અધિકારીઓ સ્પેશિયલ રૂમમાં વીઆઇપી ભોજનનો લુફ્ત ઉઠાવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના નેતા જાગૃતિબેન પંડ્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસના અધિકારી પણ હાજર રહ્યાં હતા. જો ભાજપના આવા તાયફાઓ બંધ નહી થાય તો ફરી એકવખત ભાજપ પ્રેરિત કોરોનાથી સમાજમાં ભડકો જોવા મળશે.

ગુજરાતની હાઈટેક પોલીસ પણ દોઢ મહિનાથી નથી ઉકેલી શકી આ કેસ, જ્યારે લાગે કોઈ કડી મળી ત્યાં કેસ નવો વળાંક લે છે!

વડોદરા: સુરતમાં અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી અને હત્યા કરનાર આરોપીને 31 દિવસના ફાંસીની સજા ફટકારી દેવામાં આવી. ન્યાયતંત્ર અને પોલીસ વિભાગની કામગીરીની સમગ્ર દેશમાં પ્રશંસા થઈ રહી છે. પરંતુ આજ ગુજરાતમાં એક બીજી દિકરી મૃત્યના એક મહિના અને આઠ દિવસ થયા હોવા છતાં પરિવારને ન્યાય નથી મળી શક્યો. પોલીસની કામગીરી પર શંકા ઉપજાવે તેવા વળાંક સામે આવી રહ્યા છે. પોલીસને લાગે જ્યારે લાગે કે હવે કેસ ઉકેલાઈ જશે ત્યાં જ કેસમાં નવી હકીકત સામે આવે જે ત્યાં સુધીની તપાસથી વિપરીત હોય. પોલીસે દરેક દિશામાં તપાસ કરી, ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો પરંતુ હજી સુધી કોઈ સુરાગ નથી મેળવી શકી.

દિવાળીના દિવસે મળ્યો હતો મૃતદેહ: વલસાડ રેલ્વે સ્ટેશન પર એક ટ્રેનમાંથી 4 નવેમ્બરે એક યુવતીનો મૃતદેહ મળ્યો. પ્રાથમિક અનુમાન હતું કે યુવતીએ આત્મહત્યા કરી છે. પરંતુ સવાલ થાય કે આત્મહત્યા કરવી હોય તો ટ્રેનમાં શું કામ? યુવતીને શું સમસ્યા હતી તેની તપાસ કરવા પોલીસ પહોંચી તો જાણવા મળ્યું કે યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયું હતું. ત્યારબાદ તેની કોઈ મદદ ના કરતા તેણે કંટાળી આત્મહત્યા કરી હોય શકે તેવા અનુમાન પર પોલીસ તપાસ આગળ ધપાવી રહી હતી ત્યાં જ યુવતી જે સંસ્થામાં કામ કરતી હતી તેમાં યુવતીને લઈ માહિતી છુપાવવામાં આવી રહ્યા હોવાનું માલુમ થયું. પોલીસે વધુ તપાસ કરતા યુવતીના ડાયરીમાં કેટલાક પન્ના ફાડી નાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું. એટલે શંકા કે સંસ્થા પોલીસથી કઈક છુપાવી રહી છે. પણ સંસ્થા તપાસમાં સહકાર પણ આપી રહી ના હોવાથી વધુ કઈ માહિતી પોલીસ મેળવી શકી નહી.

હત્યા કે આત્મહત્યા મોટો પ્રશ્ન: યુવતીએ પોતાની ડાયરીમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે પોલીસે યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયું તે જગ્યા પર તપાસ કરી. પરંતુ ત્યાં પણ કોઈ શંકાસ્પદ ઘટના અંગે કોઈ માહિતી મળી નહી. આસપાસમાં પોલીસ ટીમ બનાવી શોધતી રહી પણ કોઈ સુરાગ કે પુરાવા મળ્યા નહી. વડોદરાનું વેક્સિન ગ્રાઉન્ડ પોલીસ ફેંદી વળી પણ કઈ મળ્યું નહી. ત્યારે પોલીસના હાથમાં યુવતીના મોબાઈલની ચેટ આવે છે અને તેમાં તેને સંસ્થાના ટ્રસ્ટીને મદદ માટે મોકલેલા મેસેજ મળ્યો. આ મેસેજ માં યુવતી પોતાને કેટલાક માણસોથી બચાવવા સંજીવ શાહને અપીલ કરે છે. પણ સંજીવ મેસેજ જુએ ત્યાં સુધી યુવતીનું મોત થઈ ગયું હોય છે. એટલે અત્યાર સુધી જે કેસ આત્મહત્યાનો માલુમ પડી રહ્યો હતો તેમાં હત્યાનો વળાંક આવ્યો. પોલીસની તપાસ નિષ્ફળ ગઈ.

પોલીસ ઘર ઘર ખુંદી વળી: વડોદરામાં પોલીસ એક એક ઘર ખૂંદી વળી, ગ્રાઉન્ડ આસપાસથી નીકળનારા રિક્ષાવાળાઓની પૂછપરછ કરી નાખી પણ કઈ જોતા કઈ જ ના મળ્યું. પોલીસે યુવતીએ જે દિવસે તેની સાથે ગ્રાઉન્ડ પર દુષ્કર્મ થયું તે દિવસે ગ્રાઉન્ડ પર સક્રિય મોબાઈલ નંબર મેળવી 50 થી વધુ લોકોની તપાસ કરી પણ દુષ્કર્મ બાબતે કોઈ જાણકારી મળી નહી. આવા સમયમાં યુવતીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો જેમાં યુવતીની હત્યા નહી પરંતુ તેને આત્મહત્યા કરી છે તેવું સાબિત થયું. ફરી પોલીસે પોતાની તપાસની દિશા બદલવાની ફરજ પડી.

FSLની રાહ જોઈ રહી હતી પોલીસ: હવે પોલીસ FSLના રીપોર્ટની રાહ જોઈ રહી હતી. સાથે સાથે કેસને લઇ ઓએસિસ સંસ્થા કે જ્યાં યુવતી રહેતી હતી તેમાં પણ તપાસ ચાલુ રાખી. બીજી તરફ પ્રેશર વધી રહ્યું હતું. રાજ્યના ભલભલા ગુના માત્ર ગણતરીના કલાકોમાં ઉકેલી નાખતા અધિકારીઓ આ કેસમાં ટાઢા પડી રહ્યા હતા. પોલીસ પર રાજ્ય સરકાર તરફથી દબાણ વધી રહ્યું હતું કેસની ઝડપી ઉકેલ લાવવા માટે પોલીસ યુવતી સાથે દુષ્કર્મ થયું ત્યાંથી યુવતીનો મૃતદેહ મળ્યો ત્યાં સુધી યુવતી જ્યાં જ્યાં પણ ગઈ તેના CCTC ફૂટેજ ચેક કર્યા પણ કોઈ જાણકારી ના મળી.

દુષ્કર્મ થયું ના થયું હોવાનો ખુલાસો: ઘટનાને એક મહિના બાદ FSLનો રિપોર્ટ સામે આવ્યો. રિપોર્ટ જોઈ પોલીસની આંખો ફાટી ગઈ. પોલીસ અત્યાર સુધી કેસમાં જે તપાસ કરી રહી હતી તેવું કોઈ સામૂહિક દુષ્કર્મ યુવતી સાથે થયું જ ન હતું. ફરી તપાસને લઈ સવાલ થયો કે પોલીસ માત્ર હવામાં ફાંફાં મારી રહી હતી. તો યુવતીની ડાયરીમાંથી દુષ્કર્મની ઘટના અંગે કરેલી નોંધ ખોટી હતી કે શું? પોલીસ માટે આ સવાલનો જવાબ મેળવવો અઘરો છે કારણ કે યુવતી આ દુનિયામાં નથી રહી. હવે પોલીસે કઈ દિશામાં તપાસ કરવી એ મોટો પડકાર બની રહ્યો છે.

ગૃહ રાજ્યમંત્રી પોલીસનું મનોબળ વધારી રહ્યા છે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસની ટીમનો બચાવ કરી રહ્યા છે. ઘટનાના તથ્ય સુધી પહોંચી જવાના દાવા કરી રહ્યા છે. પણ સત્ય એ છે કે પોલીસને હજી કોઈ પણ પ્રકારના પુરાવા નથી મળી શક્યા. યુવતીનો પરિવાર ન્યાય માટે તડપી રહ્યો છે અને આ ઘટના પાછળ જે પણ લોકો છે તે બિન્દાસ્ત સમાજમાં ફરી રહ્યા છે. યુવતીએ આત્મહત્યા કરી કે તેની હત્યા થઈ? આત્મહત્યા કરી તો શા માટે કરી? યુવતીને મોતના મુખમાં ધકેલનાર કોણ હતું? શું કોઈ મોટું કૌભાંડ દબાવવા યુવતીનો જીવ લેવામાં આવ્યો એવા ઘણા પ્રશ્નો સામે છે પણ સત્ય ક્યારે આવશે? આરોપીઓ ક્યારે પકડાશે? પરિવારને ન્યાય ક્યારે મળશે તેનો જવાબ ન તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે છે ન તો રેલવે પોલીસ પાસે..

પ્રેમી યુવકને યુવતીના પરિવારે એવો માર માર્યો કે યુવકનું મોત થઈ ગયું, ક્યાની છે આવી બરબર્તપૂર્વક ઘટના?

વડોદરા: પાટણની મહિલાને પ્રેમ પ્રકરણમાં તાલિબાની સજા આપવાની શ્યાહી હજી સૂકાઈ નથી, ત્યાં પ્રેમમાં તાલિબાની સજા આવવાની વધુ એક ઘટના સામે આવી છે. લોકો કાયદો પોતાના હાથમાં લઈ રહ્યા છે, અને આવામાં કોઈની હત્યા કરતા પણ વિચરતા નથી. વડોદરામાં એક પ્રેમી યુવકને કાળજુ કંપાવી દે તેવી સજા આપવામાં આવી છે. આ સજામાં યુવકનું મોત નિપજ્યું છે.

પાદરા તાલુકાના ચોકારી ગામે પ્રેમ પ્રકરણમા યુવકને તાલિબાની સજા આપવામાં આવી હતી. જેમાં યુવકનું મોત થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીના પારીવારજનોએ યુવકનું ઘરેથી અપહરણ કરી ઝાડ સાથે દોરડાથી બાંધી ઢોર માર માર્યો હતો. યુવક જયેશ રાવળને માર મારતો વીડિયો સામે આવ્યો છે. માર મારતા યુવક જયેશ રાવળનું મોત નિપજ્યું છે.
પોલીસે હત્યા, અપહરણ સહિતની કલમો સાથે ફરિયાદ નોંધી છે. કિરણ, મોહન, રમેશ અને કાળીદાસ માળી સામે વડું પોલીસે ગુનો દાખલ કર્યો છે. ગુનો દાખલ થયા બાદ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. જોકે, યુવતીના પરિવારજનો સજા આપવામાં તાલિબાન કરતા પણ ક્રુર બન્યા હતા. આરોપીઓએ યુવકને સાડી પણ પહેરાવી હતી.

આ વિશે વડોદરાના એસપી સુધીર દેસાઈએ માહિતી આપી કે, ઘટના બાદ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. હાલમાં ગામમાં શાંતિ ન ડહોળાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આરોપીઓ સામે હત્યા, અપહરણ, માર મારવાની કલમ સાથે ગુનો દાખલ કર્યો છે. કોઈને પણ કોઈ વ્યક્તિને મારવાનો કે હત્યા કરવાનો અધિકાર નથી.

વડોદરા-અમદાવાદ હાઇવે પર બની એવી ઘટનાએ કે હવે વાહનચાલકોમાં છે ભયનો માહોલ!

વડોદરાઃ એક તરફ દિવાળીના તહેવારો ચાલી રહ્યાં છે. તો બીજી તરફ કેટલાક લોકો અશાંતિ ફેલાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. વડોદરા-અમદાવાદ હાઇવે પર મંગળવારે રાત્રે પથ્થરમારાની ઘટના સામે આવી છે. હાઇવે પરથી પસાર થઇ રહેલા વાહનો પર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઇને ઇજા થવા પામી નથી. પરંતુ આ ઘટનાએ વાહનોચાલકો માટે અશાંતિ ફેલાવી દીધી છે. વાહનચાલકોએ હવે હાઇવે પર જતા પહેલા વિચાર કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. ગુજરાતમાં આવી ઘટના આ પહેલા ક્યારેય સામે આવી નથી.

વડોદરા-અમદાવાદ હાઇવે પર આણંદના સામરખા ગામ નજીક વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં વાહનોના કાચ પણ તુટ્યા હતા. સાતથી વધુ કારના કાચ તુટ્યા હોવાની વાત સામે આવી છે. આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ પથ્થરબાજી કરનાર લોકોની પોલીસને કોઇ ભાળ મળી નથી. ઘટના બાદ હાઇવે ઓથોરીટી અને આણંદ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ પથ્થર ફેંકનાર કોણ હતું તે જાણવા મળ્યું નથી.

એક કાર માલિકે આ અંગે વાત જણાવ્યું હતું કે, રાત્રે 10 વાગ્યા આસપાસ આણંદના સામરખા પાસે પાંચ જેટલા વાહનો પાર્ક કરેલા હતા. ત્યાં કેટલાક વાહનોના કાચ તુટેલા હતા. આ વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હાલ તો પોલીસ લૂંટના ઇરાદે આ પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું માની તપાસ કરી રહી છે. પરંતુ વાહનચાલકોએ પણ કોઇ લૂંટારૂને જોયો નથી કે, તેમની કારમાંથી સામાન ચોરવાનો કોઇ પ્રયાસ પણ થયો નથી. પોલીસ માટે આ ગુથ્થી ઉકેલવી જરૂરી છે કારણ કે આ રોડ પરથી દૈનિક લાખો વાહનો પસાર થાય છે. અને વાહનચાલકો પર આ રીતે હુમલા કરવામાં આવશે તો વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળશે.