લુધિયાણા કોર્ટનો માસ્ટર માઇન્ડ જસવિંદર સિંહ મુલ્તાની જર્મનીથી ઝડપાયો

પંજાબની લુધિયાણા કોર્ટમાં બ્લાસ્ટના માસ્ટર માઇન્ડને જર્મનીથી ઝડપી પાડવામાં આવ્યો છે. જર્મની પોલીસે પ્રતિબંધિત સંગઠન શિખ ફોર જસ્ટીસ સાથે સંકળાયેલ જસવિંદર સિંહ મુલ્તાનીની ધરપકડ કરી છે. જસવિંદર સિંહ મુલ્તાની લુધિયાણા કોર્ટનો માસ્ટર માઇન્ડ માનવામાં આવી રહ્યો છે. લુધિયાણા ઉપરાંત જસવિંદર સિંહ મુંબઇ અને દિલ્હીમાં બ્લાસ્ટ માટેનું ષડયંત્ર બનાવી રહ્યો હતો.

જસવિંદર સિંહ શિખ ફોર જસ્ટીસના સંસ્થાપક ગુરપરવર સિંહ પન્નુનો નજીકનો સાથી માનવામાં આવે છે. જસવિંદર સિંહ અલગાવવાદી પ્રવૃતિઓમાં પણ સંડોવાયેલો હોવાના આક્ષેપ લાગી ચૂક્યા છે. જસવિંદર સિંહ મુલ્તાનીએ અગાઉ સિંધુ બોર્ડર પર ખેડૂત આગેવાન બલવીરસિંહ રાજેવાલની હત્યાનું ષડયંત્ર પણ રચ્યું હતું. જેના માટે તેણે જીવન સિંહ નામના શખ્સને ઉકસાવ્યો હતો. હત્યા થાય તે પહેલા જ જીવનસિંહને ઝડપી પાડવામાં આવ્યો હતો.

આ કેસમાં જસવિંદર સિંહનું નામ સામે આવતા કેન્દ્રીય એજન્સીઓને તેની માહિતી આપવામાં આવી હતી. 23 ડિસેમ્બરે કોર્ટના બીજા માળે IED બ્લાસ્ટ થયો હતો. IEDના ઉપયોગને લઇ આ હુમલાને આતંકી હુમલો માનવામાં આવી રહ્યો છે. બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

સંસદ સત્રઃ 49 ટકા કામ અને 51 ટકા હોબાળો, છેલ્લા 20 વર્ષમાં કામ કરતા વિરોધ વધતા કરોડોનું આંધણ!

નવી દિલ્હીઃ રાજનૈતિક કટ્ટરતાને કારણે દેશ કેટલાક કિસ્સાઓમાં એવી સ્થિતિમાં આવી પહોંચે છે જેના કારણે જનતા પણ ભ્રમમાં રહે છે કે સાચુ શું છે અને ખોટુ શું છે? સંસદનું સત્ર સમય કરતા પહેલા પૂર્ણ કરી દેવામાં આવે તેવી આ પ્રથમ ઘટના નથી. છેલ્લા પાંચ વર્ષથી આ સ્થિતિ આપણે વારંવાર જોતા આવીએ છીએ. રાજ્યસભાના સચિવાલયના વિશ્લેષણથી જાણવા મળ્યું હતું કે, છેલ્લા 20 વર્ષમાં 62 સત્રોમાં 51 ટકા એટલેક 32 સત્ર અલગ-અલગ કારણોસર સમય કરતા વહેલા બંધ કરવા પડ્યા છે.

હવે દરેક મુદ્દો વિરોધનો બની રહ્યો છેઃ સંસદના સત્ર દરમિયાન કોઇ બીલ પર ચર્ચા કરવાના બદલે હોબાળો કરવો નવો ટ્રેન્ડ બની ગયો છે. કેટલાક કિસ્સાઓમાં તો ચર્ચા થાય એ પહેલા જ હોબાળો કરી દેવામાં આવે છે. સ્થિતિ એવી ઉત્પન્ન કરવામાં આવે છે કે, વારે ઘડીએ સંસદની કાર્યવાહી સ્થિગિત કરવાની ફરજ પડે છે. હાલમાં આ પ્રકારના વિરોધને કારણે રાજ્યસભાની કાર્યવાહી પ્રભાવિત થઇ છે. રાજ્યસભામાં વિપક્ષ ઘણો મજબૂત હોવાથી આ પ્રકારના વિરોધ વારંવાર જોવા મળે છે. સત્ર દરમિયાન 12 સાંસદોને સસ્પેન્ડ કરવાની પણ ફરજ પડી હતી.

32 સત્ર સમય કરતા પહેલા પૂર્ણ જાહેર કરાયાઃ રાજ્યસભાના સભાપતિ ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડુએ સંસદના સત્ર બાધિત થવા માટેનો રિપોર્ટ પણ મંગાવ્યો છે. જો કે, અગાઉના 4 સત્ર કરતા આ સત્રમાં વધુ કામગીરી થઇ છે. વિપક્ષ દ્વારા હોબાળાને કારણે એવી પણ સ્થિતિ ઉભી થઇ હતી કે 13 દિવસ પહેલા સત્ર પૂર્ણ જાહેર કરવામાં આવ્યા હોય. રાજ્યસભાના વિશ્લેષણમાં જાણવા મળ્યું હતું કે, કુલ 32 સત્ર આવા હોબાળાને કારણે સ્થિગીત કરવામાં આવ્યા છે. જૂલાઇ 2001થી અત્યાર સુધી આયોજીત કુલ 62માંથી 32 સત્ર સમય કરતા પહેલા પૂર્ણ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 6 સત્ર સમય પૂર્ણ થયા બાદ પણ ચાલુ રહ્યાં હતા. 2020માં કોવિડ મહામારીને કારણે સત્ર પ્રભાવિત થયા હતા. જેના કારણે ગત વર્ષે બજેટ સત્રનો સમય 13 દિવસ ઘટાડી દેવામાં આવ્યો હતો.

આવો વિરોધ કેટલો યોગ્ય? સામાન્ય રીતે સંસદના સત્ર દરમિયાન કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ જ્યારે સંસદમાં જનતાને હિતને લઇ કામગીરી કે ચર્ચા કરવાને બદલે હોબાળો-વિરોધ કરી સંસદ સંત્ર બંધ કરવાની ફરજ પડે ત્યારે આ કરોડોના ખર્ચનો કોઇ મતલબ રહેતો નથી. દરેક વખતે વિરોધ ખોટો હોય એવું નથી હોતું પરંતુ વારંવાર વિરોધ કરી સંસદના સત્રની કામગીરીને ખલેલ પહોંચાડવી એ પણ હિતાવહ નથી. સરકાર જનતાને નુકસાન પહોંચાડે તેવી કોઇ કામગીરીનો વિરોધ યોગ્ય છે. પરંતુ માત્રને માત્ર સરકારની કામગીરી અટકાવવાના હેતુથી કરવામાં આવતો વિરોધ કઇ રીતે યોગ્ય કહી શકાય. સત્તામાં ક્યો પક્ષ અને વિપક્ષમાં કોણ એ મહત્વનું નથી. પરંતુ જેના માટે સંસદના સત્રની કામગીરીનું આયોજન કરવામાં આવે છે કે કામગીરી તેના નિર્ધારિત સમયમાં થવી જોઇએ એ જરૂરી છે. વિરોધને કારણે કેટલીક સારી યોજનાઓ અટકી પડતી હોય છે. જેના કારણે જરૂરિયાત મંદો સુધી તેનો લાભ પહોંચી શકતો નથી.

સરકાર એલર્ટઃ ઓમિક્રોનના કેસ વધતા 10 રાજ્યોમાં મોકલાશે અલગ-અલગ વિભાગોના નિષ્ણાંતોની ટીમ, ગુજરાતમાં શું છે સ્થિતિ?

નવી દિલ્હીઃ ઓમિક્રોનના કેસમાં મોટો વધારો નોંધાયો છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 415 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. રાજસ્થાનમાં વધતા ઓમિક્રોનના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. રાજસ્થાનમાં શનિવારે એક જ દિવસમાં 23 પોઝિટિવ કેસ નોંધાયા છે. પ્રદેશમાં ઓમિક્રોનના કેસની સંખ્યા 43 થઇ છે. ગુજરાતમાં પણ ઓમિક્રોન વેરિએન્ટના કેસ 43 થયા છે.

કેન્દ્ર સરકારે ઓમિક્રોન વેરિએન્ટને લઇ દેશના 10 રાજ્યોમાં અલગ-અલગ વિભાગના નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ મોકલી છે. 10 રાજ્યોમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કેરલા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને પંજાબની કેન્દ્રીય ટીમ મુલાકાત લેશે. આ ટીમો રાજ્યોમાં ઓમિક્રોનના વધતા કેસ અને વેક્સિનેશનની સ્પીડ અંગે રિપોર્ટ તૈયાર કરશે.

છેલ્લા કેટલાક દિવસથી કોવિડના કેસમાં તેમજ કોવિડ મૃત્યુ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિનેશન અભિયાન મોટા પ્રમાણમાં ચલાવવામાં આવી રહ્યું છે. તેમ છતાં આ રોજ્યોમાં વેક્સિનેશનનો દર ઘણો નીચો છે. આ સ્થિતિના નિવારણ લાવવા માટે કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા એક મલ્ટી ડિસિપ્લિનરી ટીમ મોકલવાનો નિર્ણય લીધો છે.

મળતી માહિતી પ્રમાણે આ ટીમો જે તે રાજ્યમાં 3 દિવસ સુધી રોકાશે. રાજ્યના આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર સાથે મળી ત્રણ દિવસ સુધી કામગીરી કરશે. ટીમ ખાસ કરીને પોઝિટિવ કેસના કોન્ટેક્ટ ટ્રેસિંગ, સર્વેલન્સ અને કન્ટેઇનમેન્ટ ઓપરેશન અને કોવિડ 19ના ટેસ્ટિંગ અંગેની કામગીરીનું નિરીક્ષણ કરશે. જીનોમ સિક્વિન્સિંગ માટે મોકલવામાં આવતા સેમ્પલ અંગેની કામગીરીનું પણ નિરીક્ષણ કરશે.

IIM બાદ હવે IIT માં પણ પ્લેસમેન્ટમાં કેન્ડિડેટ્સને અધધ રૂપિયાના પેકેજની ઓફર

નવી દિલ્હીઃ દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને જોબ પ્લેસમેન્ટ માટે કરોડો રૂપિયાના પેકેજની ઓફર કરવામાં આવી છે. ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં પ્લેસમેન્ટ દરમિયાન વિદ્યાર્થીઓને કરોડોના પેકેજ મળી રહ્યાં છે. અત્યાર સુધી IIMના વિદ્યાર્થીઓને કરોડોના પેકેજની ઓફર થતી હતી પરંતુ હવે ટેલેન્ટેડ વિદ્યાર્થીઓને પણ આ પ્રકારના પેકેજની ઓફર કરવામાં આવી રહી છે.

IITમાં આ વર્ષે સાંતા ક્લોઝ વહેલા જ આવી ગયા હોય તેમ પ્લેસમેન્ટ દરમિયાન વિદ્યાર્થીઓને કરોડોના પેકેજની ઓફર મળી છે. અત્યાર સુધીમાં સૌથી વધુ પેકેજની ઓફર આ વર્ષે ફાઇનલ પ્લેસમેન્ટ દરમિયાન કરવામાં આવી છે. બેસ્ટ ટેકનિકલ ટેલેન્ટ મેળવવા માટે સ્થાનિક કંપનીઓએ પણ ઓફર પેકેજમાં જબરદસ્તનો ઉછાળો કર્યો છે. સ્થાનિક કંપનીઓ દ્વારા આ વખતે સૌથી ઊંચુ 1.80 કરોડ રૂપિયાના વાર્ષિક પેકેજની ઓફર કરવામાં આવી છે. જેની સામે ઇન્ટરનેશન પેકેજ રૂ.2.15 થી 2.40 કરોડ સુધી ઓફર કરવામાં આવ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે IIT દિલ્હીમાં એક કરોડથી વધુ પેકેજની કુલ 60 ઓફર મળી છે. જ્યારે અન્ય IITની વાત કરવામાં આવે તો કાનપુરમાં 49, મદ્રાસમાં 27, બોમ્બેમાં 12, રૂરકીમાં 11 ગુવાહાટીમાં 5 અને BHUમાં 1 ઓફર કરોડથી વધુના પેકેજની મળી છે. IIT ખડગપુર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓને 90 લાખથી 2.4 કરોડ સુધીના પેકેજની કુલ 22 ઓફર મળી છે. જેમાં માત્ર 2 જ ઓફર 90 લાખથી એક કરોડ સુધીની છે.

IITના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પ્રથમ વખત સ્થાનિક કંપનીઓ પણ મોટી ઓફરના પેકેજ આપી રહ્યાં છે. વિદેશી કંપનીઓ કરતા પણ ભારતીય કંપનીઓ દ્વારા વધુ રકમના પેકેજની ઓફર કરવામાં આવી રહી છે. IITમાં ભણેલા અનેક વિદ્યાર્થીઓ હાલમાં વિશ્વની ટોચની ટેકનિકલ કંપનીઓમાં મહત્વના પદો પર છે. જેના કારણે સ્થાનિક કંપનીઓ પણ ભારતીય ટેલેન્ટને વિદેશમાં જવા દેવાના બદલે પોતે જ મોટા પેકેજ ઓફર કરી તેમની ટેલેન્ટન લાભ ઉઠાવવા માટેનો પ્રયાસ કરી રહી છે.