ગુજરાતમાં સર્જાશે રાજકીય ભૂકંપઃ ભાજપને પાઠ ભણાવવા કેટલાક રાજકીય આગેવાનો એક છત્ર હેઠળ એકત્ર થવાના ભણકારા!

અમદાવાદઃ ગુજરાતમાં રાજકીય માહોલ ઘણો ગરમ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતાની નિમણૂંક કરી દેવામાં આવે છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોર દાવો કરી રહ્યાં છે કે એક મહિનામાં ગુજરાતની જનતાને લાગશે કે કોંગ્રેસ એલર્ટ છે અને 27 વર્ષના ભાજપના જોહુકમીભર્યા શાસનમાંથી લોકોને મુક્તી અપાવીશું. ઠાકોરના આ નિવેદન સમયે જ ગુજરાતની રાજનીતિમાં મોટા ફેરફારોના સંકેત પણ મળી રહ્યાં છે. પાટીદાર આગેવાન નરેશ પટેલ પણ હવે સામાજિકની સાથે રાજકીય ક્ષેત્રમાં એન્ટ્રી કરવાના સંકેત આપ્યા છે.

આધારભૂત સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. પરંતુ એક નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાશે એટલું નહી પરંતુ ભાજપને સત્તામાંથી હટાવવા માટે ગુજરાતના અન્ય રાજકીય નેતાઓ પણ કોંગ્રેસના છત્રમાં એકત્ર થવાની અંદરખાને મોટી કવાયત ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગુજરાત AAPમાં નારાજગીનો પવન ફૂંકાઇ રહ્યો છે. ત્યારે AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, સિનિયર નેતા અને ઉદ્યોગપતિ મહેશ સવાણી પણ નરેશ પટેલની સાથે કોંગ્રેસમાં જોડાઇ શકે તેવી અટકળો ચાલી રહી છે. નરેશ પટેલના નિર્ણયની રાહ જોવામાં આવી રહી હોય તેમ જાણવા મળી રહ્યું છે.

બીજી તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને કેબિનેટ મંત્રીઓ બનેલા કેટલાક નેતાઓને નવા મંત્રીમંડળમાંથી પડતા મુકવામાં આવ્યા હતા. આ નેતાઓ પોતાના અપમાન બદલ ભાજપથી નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે. અંદરખાને આ નારાજ નેતાઓનો કોંગ્રેસે સંપર્ક કર્યો હતો અને તેમને ફરીથી કોંગ્રેસમાં પરત લેવા માટે તૈયારી દર્શાવી હતી. આ નેતાઓમાં જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, અલ્પેશ ઠાકોર સિવાય અન્ય નેતાઓ કે જેમને હાલમાં સાઇડલાઇન કરવામાં આવ્યા છે તેઓ પણ પાછા કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

આટલા મોટા ફેરફાર માટેની રૂપરેખા દિલ્લીમાં ઘડાઇ રહી છે. તેની પાછળ કોંગ્રેસના સિનિયર લીડર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત હોવાનું જાણવા મળી રહ્યું છે. નરેશ પટેલને કોંગ્રેસ કેમ્પેઇન કમિટીના હેડ બનાવવાની ઓફર પણ કરી છે. અશોક ગેહલોતના કહેવાથી જ ભરતસિંહ સોલંકી ખોડલધામ દર્શન કરવાના બહાને નરેશ પટેલને મળવા ગયા હતા. નરેશ પટેલે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે બેઠક પણ કરી હતી. ગુજરાતમાં રાજકીય ભૂકંપ સર્જાશે તે નક્કી છે પરંતુ ક્યારે અને કેવી રીતે તે ખાસ જોવાનું રહેશે.

2020-21માં કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત ટોચ પર, દેશભરમાં કુલ 100 આરોપીઓનાં મોત

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તાજેતરમાં જ કસ્ટોડિયલ ડેથ અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2020-21માં સૌથી વધુ 17 કસ્ચોડિયલ ડેથ સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 1 વર્ષમાં દેશમાં લગભગ 100 જેટલા આરોપીઓના કસ્ટોડિયલ ડેથ થયા છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે, કેલેન્ડર વર્ષ 2018-19માં ગુજરાતમાં પોલીસ કસ્ટડીમાં 13, એ પછી વર્ષ 2019-20માં 12, જ્યારે 2020-21માં પોલીસ કસ્ટડીમાં મોતનો આંકડો વધીને 17 થયો છે. રાજ્યમાં પોલીસ કસ્ટડીમાં મોતના 7 કિસ્સામાં નેશનલ હ્યુમન રાઈટ કમિશને જે તે મૃતકના પરિવારને સહાય પૂરી પાડવા ભલામણ કરી છે.

કયા રાજ્યમાં કેટલાં મોત

 • ગુજરાત – 17 મોત
 • મહારાષ્ટ્ર – 13 મોત
 • ઉત્તર પ્રદેશ – 8 મોત
 • પશ્ચિમ બંગાળ – 8 મોત
 • મધ્ય પ્રદેશ – 8 મોત
 • ઝારખંડ – 5 મોત
 • કર્ણાટક – 5 મોત
 • દિલ્હી – 4 મોત
 • ઓડિશા – 4 મોત
 • આધ્રપ્રદેશ – 3 મોત
 • બિહાર – 3 મોત
 • રાજસ્થાન – 3 મોત
 • છત્તીસગઢ – 3 મોત
 • હરિયાણા – 3 મોત
 • પંજાબ – 2 મોત
 • જમ્મુ-કશ્મીર – 2 મોત
 • અરુણાચલ પ્રદેશ – 1 મોત
 • આસામ – 1 મોત
 • કેરળ – 1 મોત
 • ઉત્તરાખંડ – 1 મોત
 • તેલંગાણા – 1 મોત

NCRBના રિપોર્ટમાં પણ ગુજરાતની છબી ખરડાઈ

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરો (NCRB)ના ક્રાઈમ ઈન ઈન્ડિયા ઈન 2020ના રિપોર્ટમાં પણ કસ્ટોડિયલ ડેથના આંકડા જાહેર થયા હતા, જેમાં ગુજરાતમાં સૌથી વધુ કસ્ટોડિયલ ડેથ થયા હતા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ વિના રાખવામાં આવેલા 15 ટકા લોકોના મોત થયા હતા.

ભારત પ્રવાશે આવશે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આટલા કરાર પર થશે હસ્તાક્ષર

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આગામી અઠવાડિયે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વિવિધ ક્ષેત્રોમાં કેટલાક મહત્વના કરાર પર હસ્તાક્ષર થશે. મીડિયા રીપોર્ટ મુજબ, લગભગ 10 દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેમાં કેટલાક અર્ધ-ગોપનીય કરારો પણ સામેલ છે.

રશિયન સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, યુરી ઉષાકોવે સંભવિત સમજૂતીઓને નામ આપવાનો ઈન્કાર કર્યો હતો કારણ કે તે હજુ પણ અંતિમ રૂપમાં છે. તે જ સમયે, તેમણે એમ પણ કહ્યું કે, તેઓ મોટાભાગના વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

રાષ્ટ્રપતિ પુતિન વાર્ષિક ભારત-રશિયા સમિટ માટે સોમવારે નવી દિલ્હી આવી રહ્યા છે. નવેમ્બર 2019માં બ્રાઝિલિયામાં બ્રિક્સ સમિટમાં મળ્યા પછી રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ પ્રથમ વ્યક્તિગત મુલાકાત હશે.

પુતિનની મુલાકાત પહેલા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે, સોમવારે નવી દિલ્હીમાં ભારત અને રશિયાના વડાઓ તેમજ બંને દેશોના સંરક્ષણ અને વિદેશ બાબતોના પ્રધાનો વચ્ચે ઘણી બેઠકો થશે. 21મી વાર્ષિક ભારત-રશિયા સમિટ 6 ડિસેમ્બરે બપોરે યોજાશે.

દિવસની શરૂઆત રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ અને સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઈગુની બેઠક સાથે થશે. જેઓ સૈન્ય-તકનીકી સહકાર પર આંતર સરકારી કમિશનના સહ-અધ્યક્ષ છે.

નેતાઓ રાજ્ય અને દ્વિપક્ષીય સંબંધોની સંભાવનાઓની સમીક્ષા કરશે અને બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરશે. અરિંદમ બાગચીએ કહ્યું કે પુતિન અને પીએમ મોદીને પરસ્પર હિતના પ્રાદેશિક, બહુપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરવાની તક મળશે.

‘જવાદ’ વાવાઝોડાનું સંકટ, આંધ્રપ્રદેશમાં 55 હજાર લોકોનું સ્થળાંતર, ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાત ‘જવાદ’ને લઈને આંધ્રપ્રદેશ અને ઓડિશામાં વિશેષ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે. વાવાઝોડાના કારણે બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ સહિત આસપાસના ઘણા રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સાઉદી અરેબિયાએ આ ચક્રવાતને ‘જવાદ’ નામ આપ્યું છે.

વાવાઝોડા ‘જાવાદ’ને ધ્યાને રાખીને આંધ્રપ્રદેશના 3 જિલ્લામાં 11 NDRF, 5 SDRF, 6 કોસ્ટ ગાર્ડ અને 10 મરીન પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી છે. વિશાખાપટ્ટનમ, વિઝિયાનગરમ અને શ્રીકાકુલમના નીચાણવાળા વિસ્તારોમાંથી આશરે 55 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, વાવાઝોડું ‘જાવાદ’ વિશાખાપટ્ટનમથી લગભગ 230 કિમી દક્ષિણપૂર્વમાં પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં, ગોપાલપુરથી 340 કિમી દક્ષિણમાં પુરીથી 410 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં અને પારાદીપથી 490 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત છે.

હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર, ‘જાવાદ’ ઉત્તર આંધ્ર પ્રદેશની ઉપર બંગાળની ખાડીના પશ્ચિમ મધ્ય કિનારા તરફ આગળ વધી રહ્યું છે. શનિવારની સવાર સુધીમાં, તે આંધ્ર પ્રદેશ અને ઓડિશાની નજીક પહોંચશે અને ત્યારબાદ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ વળશે અને 5 ડિસેમ્બરે પુરીના કિનારે અથડાશે.

રેડ એલર્ટ જાહેર કરાયું

હવામાન વિભાગે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ, વિજિયાનગરમ અને વિશાખાપટ્ટનમ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય ઓડિશાના ગાઝાપટ્ટી, ગંજમ, પુરી અને જગતસિંહપુર જિલ્લાઓ માટે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં શનિવાર-રવિવારે અને આસામ, મેઘાલય અને ત્રિપુરામાં રવિવાર-સોમવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને રવિવાર સુધી મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી છે.