આગામી અવકાશ મિશન માટે ભારતીય મૂળના અનિલ મેનનની NASA દ્વારા પસદંગી કરાઇ, કોણ છે અનિલ મેનન?

વોશિંગ્ટનઃ ભારતીય મૂળના ચિકિત્સક અનિલ મેનનની નાસા દ્વારા આગામી અવકાશ મિશન માટે અવકાશયાત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. નાસા દ્વારા કુલ 12 હજાર લોકોમાંથી 10 લોકોની પસંદગી કરાઈ છે. અમેરિકન સ્પેસ એજન્સીએ જાહેરાત કરી છે કે ભારતીય મૂળના ચિકિત્સક અનિલ મેનન, યુએસ એરફોર્સમાં લેફ્ટનન્ટ કર્નલ, નાસા દ્વારા અન્ય નવ લોકોની સાથે ભાવિ મિશન માટે અવકાશયાત્રીઓ તરીકે પસંદગી કરવામાં આવી છે.

અનિલ મેનન સ્પેસએક્સના પ્રથમ ફ્લાઇટ સર્જન હતા, જેમણે નાસાના સ્પેસએક્સ ડેમો-2 મિશન દરમિયાન કંપનીના પ્રથમ માનવોને અવકાશમાં લોન્ચ કરવામાં મદદ કરી હતી. ભવિષ્યના મિશન દરમિયાન માનવ સિસ્ટમને ટેકો આપવા માટે એક તબીબી સંસ્થાનું નિર્માણ કર્યું હતું.

અનિલ મેનન સ્પેસએક્સમાં છેલ્લા 4 વર્ષથી મેડિસિન વિભાગના ડિરેક્ટર તરીકે કાર્યરત છે. એપ્રિલ 2018માં તેઓ સ્પેસએક્સ સાથે જોડાયા હતા. એરિયા હોસ્પિટલમાં ઇમરજન્સી મેડિસિન ફિજીસિયન તરીકે તેમણે 13 વર્ષ સુધી સેવા આપી હતી.

અન્ય 9 અવકાશયાત્રીઓમાં નિકોલ એયર્સ, ક્રિષ્ટિના બીર્ચ, લુક ડેનલી, આંદ્રે ડગલાસ, ક્રિસ્ટોફર વિલિયમ્સ, જેસિકા વિટનેર, ડેનિઝ બર્સહામ અને માર્કસ બેરિઓસ પોઝની પસંદગી કરવામાં આવી છે.

Twitter માં ટોચના સ્થાને ભારતીય: પરાગ અગ્રવાલ ટ્વિટરના નવા CEO બન્યા

ભારત સહિત વિશ્વમાં લોકપ્રિય માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વીટરનાં નેતૃત્વમાં સોમવારે મોડી સાંજે મોટું પરિવર્તન આવ્યું. કંપનીના સહ સંસ્થાપક જૈક ડોર્સીએ CEO પદેથી રાજીનામું આપ્યું. હવે કંપનીના CEO ભારતીય-અમેરિકી પરાગ અગ્રવાલને બનાવાયા છે.

જૈક ડોર્સીએ ટ્વિટર એકાઉન્ટ પર તેમના રાજીનામાનો પત્ર શેર કર્યો હતો. ડોર્સીએ જણાવ્યું કે મેં CEO પદેથી રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો છે કારણ કે કંપની હવે નવા સંસ્થાપકો સાથે આગળ વધવા તૈયાર છે. નવા CEO પરાગ અગ્રવાલ અંગે તેમણે જણાવ્યું કે મને પરાગ પર પૂરો ભરોસો છે તેઓ 10 વર્ષથી કંપનીમાં શાનદાર કામ કરી રહ્યાં છે.

કોણ છે પરાગ અગ્રવાલ?
પરાગ અગ્રવાલનો જન્મ મુંબઈમાં થયો હતો. પરાગના અભ્યાસની વાત કરીએ તો પરાગે પ્રાથમિક શિક્ષણ સેન્ટ્રલ સ્કૂલમાં મેળવ્યું હતું. તેમણે કમ્પ્યુટર સાયન્સમાં ડોક્ટરેટની પદવી મેળવી છે. તેણે IIT બોમ્બેમાંથી એન્જિનિયરિંગની ડીગ્રી મેળવી છે. આ પછી તેમણે કેલિફોર્નિયા, યુએસએમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સમાં PHD કરી છે. તેમની ઉંમર 37 વર્ષની છે.

પરાગ અગ્રવાલ Twitter સાથે 2011માં જોડાયા હતા. આ પહેલા તેઓ યાહૂ અને માઈક્રોસોફ્ટ જેવી દિગ્ગજ કંપનીઓ સાથે કામ કરી ચુક્યા હતા. પરાગ અગ્રવાલ અત્યારસુધી ટ્વિટરના ચીફ ટેક્નોલોજી ઓફિસર (CTO) એટલે કે મુખ્ય ટેક્નિકલ અધિકારી હતા અને સંપૂર્ણ ટેક્નિકલ જવાબદારી સંભાળી રહ્યા હતા.

પરાગની કુલ આવક 1.52 મિલિયન ડોલર છે. જે આશરે 11 કરોડ એટલે કે 11,39,92,400 જેટલી થાય છે.

Jiophone Next: કોલિંગ અને ડેટાનું ટેન્શન 2 વર્ષ સુધી નહીં રહે

લાંબા સમયની રાહ જોયા બાદ JioPhone Next ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ વર્ષની શરૂઆતમાં, કંપનીએ તેની વાર્ષિક સામાન્ય સભામાં પ્રથમ Jio-Google સ્માર્ટફોન ‘JioPhone Next’ની જાહેરાત કરી હતી. એન્ડ્રોઇડ સ્માર્ટફોન રૂ 1,999 ની “એન્ટ્રી” અથવા “અસરકારક” કિંમતે આવે છે. આનો અર્થ એ થયો કે JioPhone નેક્સ્ટ ખરીદવા માટે ગ્રાહકોએ રૂ. 1,999નું ડાઉન પેમેન્ટ કરવું પડશે, પરંતુ એટલું જ નહીં. ઓફર સાથે ઘણા નિયમો અને શરતો જોડાયેલ છે. જે જાણીને તેને ખરીદવા માટે તમારો મૂડ બદલાઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે EMI પર ફોનની કિંમત 15700 રૂપિયા સુધી હશે, જોકે યૂઝરને 2 વર્ષ સુધી ડેટા અને કોલિંગનું ટેન્શન નહીં રહે. આ સ્માર્ટફોનની ખરીદી ગુજરાતના રિલાયન્સ રિટેલર્સના 1800 લોકેશન્સ પરથી કરી શકાશે. સાથે જ ‘જિયોમાર્ટ’ પરથી પણ ફોનની ખરીદી કરી શકાશે. ત્યારે ચાલો વિગતે સમજીએ…

ઓલવેઝ ઓન પ્લાન
આ પ્લાનમાં ગ્રાહકને 24 મહિનાનો અને 18 મહિનાનો ઓપ્શન મળશે. 24 મહિના માટે ગ્રાહકે 300 રુપિયાની EMI આપવી પડશે. 18 મહિનાની EMI માટે 350 રૂપિયા આપવા પડશે. બંને EMI પ્લાનમાં મહિના માટે 5GB ડેટા અને કોલિંગ માટે 100 મિનિટ મળશે.

લાર્જ પ્લાન
આ પ્લાનમાં 24 મહિનાના ઓપ્શન માટે મહિને 450 રૂપિયા આપવા પડશે. 18 મહિનાના ઓપ્શનમાં મહિને 500 રૂપિયા આપવા પડશે. બંને પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ મળશે.

XL પ્લાન
24 મહિનાના ઓપ્શનમાં દર મહિને 500 રૂપિયાની EMI આપવી પડશે અને 18 મહિનાના ઓપ્શનમાં દર મહિને 550 રૂપિયાની EMI આપવી પડશે. આ બંને ઓપ્શનમાં દરરોજ 2GB ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ મળશે.

XXL પ્લાન
આ પ્લાનમાં 24 મહિનાના ઓપ્શનમાં દર મહિને 550 રૂપિયા અને 18 મહિનાના ઓપ્શનમાં દર મહિને 600 રૂપિયા આપવા પડશે. આ બંને પ્લાનમાં દરરોજ 2.5GB ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ મળશે.
ફોનના ફીચર્સ

ફોનમાં 5.45 ઈંચની HD ડિસ્પ્લે છે. તેને ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શન મળ્યું છે. ફોનમાં 2GBની રેમ અને 32GBનું ઈન્ટર્નલ સ્ટોરેજ મળે છે. SD કાર્ડની મદદથી 512GB સુધી સ્ટોરેજ એક્સપાન્ડ કરી શકાશે. મલ્ટિટાસ્કિંગ માટે ફોનમાં 64 બિટ CPU સાથે ક્વૉડ કોર ક્યુએમ 215 ચિપસેટ મળે છે.
ફોટોગ્રાફી માટે ફોનમાં 13MPનો રિઅર અને 8MPનો ફ્રન્ટ કેમેરા મળશે. તે નાઈટ મોડ, પોટ્રેટ મોડ અને HDR મોડ સપોર્ટ કરે છે. ફોન 3500mAhની બેટરીથી સજ્જ છે. કંપનીનો દાવો છે કે તે સિંગલ ચાર્જ પર 36 કલાકનું બેકઅપ આપે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં હોટસ્પોટ, USB પોર્ટ અને 3.5mm ઓડિયો જેક સહિતના ઓપ્શન છે.

ફેસબુકનું રિબ્રાન્ડઃ માર્ક ઝકરબર્ગે Facbookનું નામ બદલી Meta રાખ્યું, ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ અને મેસેન્જર યથાવત્ રહેશે, જાણો શું છે મેટાવર્સ

ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગે ફેસબુકનું નામ બદલીને META રાખ્યું છે. એક વર્ચ્યુઅલ ઈવેન્ટ યોજીને ઝકરબર્ગે જણાવ્યું કે, તેમની કંપની ભવિષ્ય માટે એના વર્ચ્યુઅલ-રિયાલિટી વિઝનને સમાવી લેવાના પ્રયાસ હેતું પોતાને રિબ્રાન્ડ કરી રહી છે. જેને ‘મેટાવર્સ’ કહેવામાં આવે છે.

ઝકરબર્ગે પોતાના ટ્વિટર હેન્ડલમાં પણ @meta જોડવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ જ્યારે meta.com લખવામાં આવે તો તે સીધા જ તમને ફેસબુકના હોમપેજ પર રિડાયરેક્ટ કરશે.
ફેસબુક એપ્લિકેશન સાથે સંકળાયેલાં ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ અને મેસેન્જર યથાવત્ સ્વરૂપે જ રહેશે, તેમનાં નામ બદલશે નહીં. કંપનીનું કોર્પોરેટ માળખું પણ બદલાશે નહીં, પરંતુ 1 ડિસેમ્બર, 2021થી તેના શેર એક નવા ટિકર પ્રતીક, “MVRS” હેઠળ ટ્રેડિંગ શરૂ કરશે.

મેટાવર્સ શું છે?
ઝકરબર્ગે એને ‘વર્ચ્યુઅલ એન્વાયર્નમેન્ટ’ તરીકે વર્ણવ્યું છે, જેમાં તમે સ્ક્રીન પર જોવાને બદલે અંદર જઈ શકો છો. અનિવાર્યપણે એ અનંત, એકબીજા સાથે જોડાયેલા વર્ચ્યુઅલ સમુદાયોની દુનિયા છે, જ્યાં લોકો વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ્સ, ઓગમેન્ટેડ રિયાલિટી ચશ્માં, સ્માર્ટફોન એપ્લિકેશન્સ અથવા અન્ય ઉપકરણોનો ઉપયોગ કરીને મળી શકે છે, કામ કરી શકે છે અને રમી શકે છે.

ઝકરબર્ગ કહે છે કે તે આગામી દાયકામાં મેટાવર્સ એક અબજ લોકો સુધી પહોંચવાની અપેક્ષા રાખે છે. એ એક એવી જગ્યા હશે, જ્યાં લોકો ક્રિયાપ્રતિક્રિયા કરી શકશે, કામ કરી શકશે અને ઉત્પાદનો તથા સામગ્રી બનાવી શકશે, જેની તેમને આશા છે કે તે નવી Rકોસિસ્ટમ હશે, જે સર્જકો માટે લાખો નોકરીઓનું સર્જન કરશે.