આખરે હેડક્લાર્કની પરીક્ષા રદ કરાઇ, જાણો હવે ક્યારે ફરીથી લેવાશે પરીક્ષા?

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષા આખરે રદ કરવામાં આવી હતી. પરીક્ષાનું પેપર ફૂટ્યુ હોવાના સરકારે સ્વીકાર કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ-કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે 14 આરોપીની ધરપકડ થઈ ગઈ છે તેમજ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવે છે.

તેમણે કહ્યું કે આ પરીક્ષા માર્ચમાં ફરીથી લેવાશે. અત્યાર સુધીમાં રૂ.30 લાખ રિકવર કરવામાં આવ્યા છે.ગૌણ સેવા પસંદગી મંડળની ભૂલ હશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે. જો ગમે તે અધિકારીની ભૂલ સામે આવશે તો તેની સામે પગલાં લેવાશે. માર્ચ માસમા યોજાનાર આ પરીક્ષા સંદર્ભે ઉમેદવારોએ ફરીથી ફોર્મ ભરવાના રહેશે નહીં.

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગૌણ સેવા પસંદગી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી માર્ચ મહિનામાં ફરીવાર હેડક્લાર્કની પરીક્ષા લેવાશે. 70 પરીક્ષાર્થીઓએ પેપર લીધા હતાં તેમને પણ છોડાશે નહીં. હવે એવી વ્યવસ્થા સાથે પરીક્ષા લેવાશે કે ગેરરીતિની કોઈ તક નહીં રહે. પેપર લેનારને એવી સજા કરાશે કે વર્ષો સુધી બહાર નહીં આવી શકે.

ગૃહ રાજ્ય મંત્રીએ આગળ કહ્યું કે, આ ગુના સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યક્તિઓને છટકી જવાની કોઈ પણ તક મળે નહીં તે માટે ગુજરાત પોલીસની અલગ અલગ 24 ટીમો તપાસ માટે બનાવાઇ હતી અને 14 લોકોની ધરપકડ કરી દેવાઇ છે. રાજ્યના 88,000 પરિવારના સપનાઓ એળે નહીં જાય તેની રાજ્ય સરકારે પૂરેપૂરી દરકાર કરી છે. તેમજ આ કેસ કોર્ટમાં ફાસ્ટ ટ્રેક રીતે ચલાવાય તે બાબત પણ રાજ્ય સરકાર સુનિશ્વિત કરશે.

અસિત વોરા સામે પુરાવા મળશે તો કાર્યવાહી કરીશું, હજુ પુરાવા મળ્યા નથી: પાટિલ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યાના થોડા દિવસ બાદ સરકારે પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ-કોન્ફરન્સ યોજી હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. આ મામલે હવે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મૌન તોડ્યું છે. પાટીલે કહ્યું કે સીએમ અને હર્ષ સંઘવીએ અધિકારીઓને કડક સૂચના આપી ગુનેગારોને તાત્કાલિક ઝડપી લીધા છે. પરંતુ કમલમમાં જબરજસ્તી ઘુસીને અને ત્યાં સ્થતિ આગેવાનો સાથે જે વર્તન થયું તે કોઈપણ રાજકીય પાર્ટી માટે યોગ્ય નથી. પાટીલે કહ્યું કે પેપરલીક કાંડમાં અસિત વોરા સામે હજુ પુરાવા મળ્યા નથી, મળશે તો પગલા લેવાશે.

સીઆર પાટીલે વધુમાં જણાવ્યું કે, હું ચોક્ક્સ માનું છું કે પેપરલીક થયું છે, અને આવો બનાવ બને ત્યારે અલગ-અલગ પાર્ટીઓ પોતાનો વિરોધ બનાવવા આવે છે. પરંતુ ગઈકાલે કમલમમાં જબરજસ્તી ઘુસીને અને ત્યાં આગેવાનો સાથે જે વર્તન થયું તે કોઈપણ રાજકીય પાર્ટી માટે યોગ્ય નથી. બીજી તરફ પેપરલીક કાંડમાં સામેલ કોઈપણ વ્યક્તિને છોડવામાં નથી આવે. અસીત વોરાનું કોઈ ઇનવોલ્વમેન્ટ આવશે તો તેમની સામે પગલા લેવામાં વાંધો નથી, પરંતુ હજુ માત્ર આક્ષેપ જ થાય છે કોઈ ઠોસ પુરાવો મળ્યો નથી.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરનાર તત્વોને રાજ્ય સરકાર સાખી લેશે નહીં. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના યુવાનોના હીતમાં આ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લઇ આગામી માર્ચ માસમાં આ પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે. માર્ચ માસમા યોજાનાર આ પરીક્ષા સંદર્ભે ઉમેદવારોએ ફરીથી ફોર્મ ભરવાના રહેશે નહીં.

ગાંધીનગરઃ AAPના નેતાઓને કોર્ટમાં રજૂ કરાયા, જાણો કોર્ટે શું આપ્યો આદેશ?

ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન કરનારા આમ આદમી પાર્ટીના નેતાઓને કોર્ટમાં રજૂ કરાયા હતા.  પ્રથમ 9ને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 38 લોકોને કોર્ટમાં લવાયા છે. હાલમાં કોર્ટમાં પહેલા 1થી 9ને પહેલા રજુ કરવામાં આવ્યાં છે, બાદમાં બીજા 9 એમ બધા ને એક બાદ એક રજૂ કરવામાં આવ્યા હતા.  ઇસુદાન, પ્રવીણ રામ, ગોપાલ ઇટાલીયા સહિતના લોકોને કોર્ટમાં હાજર કરાયા હતા. જ્યાં તમામ લોકોના જામીન ના મંજૂર કરાયા અને તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકવામાં આવ્યા હતા.

કમલમ જે બસમાં બેસીને આપના કાર્યકરો અને નેતાઓ આવ્યા હતા તે 8 બસના 10 ડ્રાઈવર અને કંડકટર ને પણ આપના નેતાઓ સાથે જ ધરપકડ કરવામાં આવી હતી,જેને કોર્ટમાં હાજર કરવામાં પણ આવશે. બસના માલિક કોર્ટ રૂમની બહાર છોડાવવા આવ્યા હતા. કોર્ટમાં પણ આમ આદમી પાર્ટીના જામીનદારની પોલીસે અટકાયત કરી છે. ત્યારે આપના નેતા મહેશ સવાણી પણ કોર્ટમાં પહોંચ્યા છે. તેમણે કહ્યું કે, અમે ઉપવાસ પર બેસીશું અને ન્યાય મેળવવા માટેની પ્રક્રિયા કરીશું.

બીજી તરફ વકીલ પ્રણવભાઈ ઠક્કરે કહ્યું હતું કે, ગાંધીનગર કોર્ટમાંથી ટેમ્પો ટ્રાવેલ્સમાં અમારા જામીનદારને પોલીસ ડિટેન કરીને લઈ ગઈ છે. ઝડપાયેલ આરોપી જામીનદારનો પીતરાઈ ભાઈ છે. અમારા વકીલને પણ લઈ જવામાં આવ્યાં છે. જામીન માટે આવેલા આરોપીના પીતરાઈ ભાઈને પણ ડિટેન કરી લેવામાં આવ્યાં છે.

નોંધનીય છે કે AAPના નેતાઓ સામે પોલીસ દ્વારા અલગ અલગ કુલ 18 જેટલી કલમો લગાડી તેમની સામે ધરપકડ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના નેતાએ જણાવ્યું હતું કે ગઈકાલે ખુદ પોલીસ જ અમારી વિરુદ્ધમાં હતી. ત્યારે હવે પોલીસ પર જ અમને ભરોસો નથી, જેથી હવે સીસીટીવી ફૂટેજ અને મીડિયા ફૂટેજના પુરાવા સહિત અમે આ મામલે કોર્ટમાં ફરિયાદ દાખલ કરીશું.

નોંધનીય છે કે ગઇકાલે ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કાંડ મામલે વિરોધપ્રદર્શન અને ચેરમેન અસિત વોરાનું રાજીનામું માગવા ગાંધીનગર ભાજપ કાર્યાલય પહોંચેલા આમ આદમી પાર્ટીના નેતાઓની છેડતી, રાયોટિંગ સહિતના ગુનામાં ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.  AAPના નેતા ઈસુદાન ગઢવી, નિખિલ સવાણી, પ્રવીણ રામ, ગોપાલ ઈટાલિયા, શિવકુમાર સહિતના નેતાઓની ધરપકડ કરાઇ હતી.

પરિવારમાં 12 સભ્યો છતાં સરપંચના આ ઉમેદવારને મળ્યો ફક્ત એક મત, જાહેરમાં લાગ્યો રડવા

રાજ્યની 8686 ગ્રામપંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે મતગણતરી યોજાઇ હતી. એક જગ્યાએ પુત્ર માતા સામે ચૂંટણીમાં હારી ગયો હતો તો કોઇ જગ્યાએ ઉમેદવારને પરિવારના સભ્યોએ પણ મત આપ્યા નહોતા. સંતોષના પરિવારમાં 12 મતદારો છે. તેમ છતાં તેમણે મતપેટીમાંથી નીકળેલા મતમાં માત્ર એક જ મળ્યો છે અને પોતાની પત્નીએ પણ વોટ ના આપ્યો હોવાનું જણાતા ઉમેદવાર જાહેરમાં રોઈ પડ્યો હતો.

વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયતના વોર્ડ નં. 5ના સભ્યના ઉમેદવારને માત્ર 1 વોટ મળ્યો હતો. ઉમેદવારને તેની પત્ની અને પરિવારના સભ્યોએ પણ મત પણ નહોતો આપ્યો. વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયતની ઉમેદવાર સંતોષ હળપતિને માત્ર 1 મત મળતાં તેમની સ્થિતિ કફોડી બની હતી.

છરવાડા પંચાયતના વોર્ડ સભ્યના ઉમેદવારને માત્ર 1 વોટ મળ્યો હતો. જેને તેની પત્ની તેમજ પરિવારજનોએ પણ વોટ ન કરતાં ઉમેદવારની હાલત કફોડી બની હતી.